18 November, 2025 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ ધર્મેન્દ્ર હાલ પોતાના ઘરે જ ડૉક્ટર્સની દેખરેખ હેઠળ છે. આ સંજોગોમાં શત્રુઘ્ન સિંહા પત્ની પૂનમ સિંહા સાથે હેમા માલિનીને મળવા તેમના ઘરે ગયા હતા અને ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી.
હેમા માલિનીને મળ્યા બાદ શત્રુઘ્ન સિંહાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં હેમા માલિની સાથેની કેટલીક તસવીરો શૅર કરીને લખ્યું હતું, ‘મારી ‘બેસ્ટ હાફ’ સાથે, અમારી ખૂબ જ પ્રિય પારિવારિક મિત્ર, અદ્ભુત માનવી, ઉત્તમ સ્ટાર, અસાધારણ ક્ષમતાવાળી કલાકાર અને એક લાયક સંસદસભ્યને મળવા, તેમનું અભિવાદન કરવા અને ભગવાનની કૃપા મેળવવા ગયો હતો.’
ધર્મેન્દ્રનું સ્વાસ્થ્ય ખરાબ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને ૧૨ નવેમ્બરે ડિસ્ચાર્જ મળ્યો હતો. તેઓ હૉસ્પિટલમાં હતા એ દરમ્યાન તેમના મૃત્યુ વિશેની ખોટી અફવાઓ ફેલાઈ હતી જેને કારણે તેમની પત્ની હેમા માલિની અને દીકરી એશા દેઓલે જાહેર નિવેદન આપીને સ્પષ્ટ કર્યું હતું કે ધર્મેન્દ્ર જીવિત છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. જોકે શત્રુઘ્ન સિંહાની શૅર કરેલી તસવીરોમાં હેમા માલિનીના ચહેરા પરની ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી છે.