01 December, 2025 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શત્રુઘ્ન સિંહાએ સોશ્યલ મીડિયા પર શૅર કરેલી તસવીરો
ધર્મેન્દ્રના નિધન સમયે અંતિમ સંસ્કાર કે પ્રાર્થનાસભામાં તેમના ખાસ મિત્ર શત્રુઘ્ન સિંહાની હાજરી જોવા મળી નહોતી. હવે શત્રુઘ્ન સિંહાએ ધર્મેન્દ્રના બન્ને દીકરાઓ સની દેઓલ અને બૉબી દેઓલને મળીને તેમને સાંત્વન આપ્યું હતું તેમ જ સોશ્યલ મીડિયામાં અંતિમ સંસ્કાર કે પ્રાર્થનાસભા હાજરી ન આપી શકવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો.
શત્રુઘ્ન સિંહાએ સોશ્યલ મીડિયા પર ધર્મેન્દ્ર સાથેની તેમની જૂની તસવીરો શૅર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘દિલ્હીથી પાછા ફર્યા બાદ હું ભારે અને દુખી હૃદયે અમારા સૌથી પ્રિય પારિવારિક મિત્ર એવા અમારા મોટા ભાઈ ધર્મેન્દ્રના ઘરે ગયો. તેમના અદ્ભુત દીકરાઓ સની દેઓલ અને બૉબી દેઓલ તેમ જ બૉબીની પત્ની તાન્યા અને દીકરાઓ ધરમ અને ખાસ કરીને આર્યમન સાથેની આ મુલાકાત હૃદયસ્પર્શી હતી. તે બધાને મળવાનું અને ધરમજીને યાદ કરવાનું અદ્ભુત હતું. ધર્મેન્દ્રએ કરેલાં સારાં કામ અને લોકો સાથેના સંબંધોને કારણે તેઓ બધાની યાદોમાં હંમેશાં જીવતા રહેશે. આ દુખદ સમયમાં તેમના માટે શાંતિ અને શક્તિની પ્રાર્થના કરી.’