03 September, 2025 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેલેબ્સ
લાલબાગચા રાજાના દરબારમાં શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીને ગણપતિમાં બહુ આસ્થા છે અને તે દર વર્ષે બાપ્પાનું ધૂમધામથી સ્વાગત કરે છે. જોકે આ વર્ષે પારિવારિક શોકને કારણે એ શક્ય બન્યું નથી. જોકે આમ છતાં તે મંગળવારે લાલબાગચા રાજાનાં દર્શન માટે પહોંચી હતી અને પંડાલમાં ભારે ભીડ વચ્ચે બાપ્પાના આશીર્વાદ લીધા હતા. શિલ્પા સાથે તેની ખાસ મિત્ર આકાંક્ષા મલ્હોત્રા પણ હતી. અહીં શિલ્પાએ પોતાના પરિવાર અને પ્રિયજનોની ખુશહાલી અને સમૃદ્ધિ માટે બાપ્પાને પ્રાર્થના કરી હતી.
લાઇનમાં ઊભા રહીને અનુપમ ખેરે કર્યાં લાલબાગચા રાજાનાં દર્શન
અનુપમ ખેરે હાલમાં લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં. અનુપમે સોશ્યલ મીડિયા પર દર્શનની તસવીરો અને વિડિયો શૅર કર્યાં છે. આ પોસ્ટમાં અનુપમ ખેરે જણાવ્યું કે તેમણે કોઈ VIP દર્શનની વ્યવસ્થા વગર લાઇનમાં રાહ જોઈને દર્શન કર્યાં હતાં. આ પોસ્ટમાં અનુપમ ખેરે લખ્યું હતું, ‘આજે લાલબાગચા રાજાનાં દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હું કોઈ પણ VIP દર્શનની વ્યવસ્થા વિના ગયો હતો એથી ખાસ અનુભવ થયો. એક અલગ વાત એ હતી કે ભક્તોનો પ્રેમ અને આયોજકોની દયાભાવના જળવાઈ રહી હતી. લાખોની સંખ્યામાં લોકો આવે છે, પરંતુ અદ્ભુત શિસ્ત અને વ્યવસ્થા જોઈને ગર્વ થાય છે. ભક્તજનોની ગણપતિ પ્રત્યેની ભાવના અતૂટ છે. ગણપતિબાપ્પા મોરયા.’
અનિલ કપૂરે સજોડે કર્યાં લાલબાગચા રાજાનાં દર્શન
અનિલ કપૂરે પત્ની સુનીતા કપૂર સાથે પ્રખ્યાત લાલબાગચા રાજા પંડાલની મુલાકાત લીધી હતી. એ સમયે તેમણે પરંપરાગત વસ્ત્રો પહેર્યાં હતાં અને અન્ય ભક્તો સાથે મળીને ગણપતિની પૂજા કરી હતી. અનિલ અને સુનીતાની વાઇરલ થયેલી આ તસવીરોમાં અનિલ ભીડમાંથી પત્ની સુનીતાને સંભાળીને લઈ જતો જોવા મળે છે અને પછી તેઓ ગણપતિબાપ્પાનાં ચરણોમાં મસ્તક નમાવીને પ્રાર્થના કરે છે.