18 September, 2026 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટી લાલબાગચા રાજાનાં દર્શને પહોંચી
ગણેશોત્સવની ઉજવણી દરમ્યાન બુધવારે સાંજે શિલ્પા શેટ્ટી તેની બહેન શમિતા શેટ્ટી અને મિત્રોની સાથે લાલબાગચા રાજાનાં દર્શને પહોંચી હતી. આ સમયે શિલ્પા અને શમિતાએ બાપ્પાનાં ચરણોમાં નમન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
બાપ્પાનાં દર્શન કરવા આવેલી શિલ્પાના પરંપરાગત લુકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે આકર્ષક સાડી સાથે સ્લીવલેસ હાઈ-નેક મરૂન બ્લાઉઝ પહેર્યું હતું; જ્યારે હાથમાં બંગડીઓ, વીંટીઓ અને ખાસ કરીને ૧૦૦ વર્ષ જૂનાં હેરિટેજ ઝૂમકા તેની સ્ટાઇલનું સૌથી મોટું આકર્ષણ બન્યાં હતાં. શિલ્પાએ પોતે પણ સ્પષ્ટતા કરી હતી કે તેણે પહેરેલા ઝૂમકા લગભગ સદી જૂના છે.
દર્શન બાદ શિલ્પાએ એક અનોખી ધાર્મિક પરંપરા નિભાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે ત્યાં હાજર અધિકારીઓને કહ્યું કે તેને ભગવાન ગણેશના વાહન મૂષકના કાનમાં કંઈક કહેવું છે. માન્યતા મુજબ ભક્તો પોતાની મનોકામના મૂષકના કાનમાં કહે છે અને એ ભગવાન સુધી પહોંચે છે. જોકે ભારે ભીડને કારણે તેને આ વિધિ કરવાની મંજૂરી મળી નહોતી.
નમ્રતા શિરોડકરે હાલમાં પોતાના ઘરમાં ઊજવાયેલા ગણેશોત્સવની સુંદર ઝલક ચાહકો સાથે શૅર કરી છે. તેણે સોશ્યલ મીડિયા પર એક ઇમોશનલ વિડિયો પોસ્ટ કર્યો, જેમાં તે દીકરી સિતારા અને દીકરા ગૌતમ પરિવાર સાથે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરતાં જોવા મળે છે. વિડિયોમાં સિતારા અને ગૌતમ પરંપરાગત અંદાજમાં બાપ્પાની આરતી બાદ ગણપતિને પ્રેમપૂર્વક વિદાય આપતાં જોવા મળે છે. નમ્રતાએ પોસ્ટ સાથે બાપ્પાનો આભાર વ્યક્ત કરતાં આગામી વર્ષે ફરી આવવાની પ્રાર્થના પણ કરી. દર વર્ષે મહેશ બાબુ અને નમ્રતાનો પરિવાર ઘરમાં સાદગી અને શ્રદ્ધા સાથે ગણેશોત્સવ ઊજવે છે. આ વર્ષની વિસર્જનવિધિમાં પણ પરિવારનાં બન્ને બાળકોની હાજરીએ ચાહકોનું દિલ જીતી લીધું છે.