ન્યુ ઝીલૅન્ડમાં શિલ્પા શિરોડકરે સૅલોંમાં હેરડ્રેસર તરીકે પણ કામ કરેલું

09 July, 2025 07:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિલ્પાએ હેરડ્રેસરની જૉબ છોડ્યા પછી પણ પોતાની કરીઅરને આગળ વધારવા માટે પ્રયાસ કર્યા હતા

શિલ્પા શિરોડકર

શિલ્પા શિરોડકર ૯૦ના દાયકામાં ખૂબ લોકપ્રિય હતી. તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું અને પછી તેણે ૨૦૦૦માં બૅન્કર અપરેશ રણજિત સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી શિલ્પા બૉલીવુડ છોડીને પતિ સાથે પહેલાં નેધરલૅન્ડ્સ અને પછી ન્યુ ઝીલૅન્ડ શિફ્ટ થઈ હતી. શિલ્પાએ હાલમાં એક પૉડકાસ્ટમાં લગ્ન પછીના પોતાના જીવન વિશે વાત કરી હતી.

શિલ્પાએ પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે ‘ન્યુ ઝીલૅન્ડમાં હતી ત્યારે મેં વ્યસ્ત રહેવા માટે હેરડ્રેસિંગનો કોર્સ કર્યો. આ કામ મારી ઍક્ટિંગ-કરીઅરની સાથે સામ્ય ધરાવતું હતું. એમાં મેકઅપનો પણ સમાવેશ થતો હતો. આ કોર્સ પછી મેં બે મહિના સુધી એક સૅલોંમાં કામ પણ કર્યું હતું. જોકે બે મહિના પછી મેં આ નોકરી છોડી દીધી હતી. હકીકતમાં એ વખતે અમારાં નવાં-નવાં લગ્ન થયાં હતાં અને હેરડ્રેસરની મારી જૉબ બહુ ડિમાન્ડિંગ હતી.  એ સમયે મારા પતિને વીક-એન્ડમાં જ રજા મળતી, પણ મારે એ જ દિવસોમાં વધારે કામ કરવું પડતું હતું. એ સમયે અમને એકબીજાને સમજવા માટે સમયની જરૂર હતી અને મને લાગ્યું કે આ જૉબ મારા માટે યોગ્ય નથી. ’

શિલ્પાએ હેરડ્રેસરની જૉબ છોડ્યા પછી પણ પોતાની કરીઅરને આગળ વધારવા માટે પ્રયાસ કર્યા હતા. પોતાનો અનુભવ જણાવતાં શિલ્પાએ કહ્યું હતું કે ‘મેં હેરડ્રેસરની નોકરી છોડી દીધી એ પછી મારા પતિએ મને મારો બાયોડેટા તૈયાર કરવા કહ્યું. જ્યારે મેં તેમને પૂછ્યું કે એમાં શું લખવું જોઈએ તો તેમણે મને સ્પષ્ટ કહ્યું કે કંઈ પણ ખોટું ન લખતી, એ પણ લખ કે હું SSC ફેલ છું અને તેં જે ફિલ્મોમાં કામ કર્યું છે એની વિગતો પણ આપજે. એ જ દિવસે મેં કેટલીક નોકરીઓ માટે અરજી કરી અને ઇન્ટરવ્યુ આપવા ગઈ. હું જ્યારે ઘરે પાછી આવી ત્યારે મારી પાસે બે અપૉઇન્ટમેન્ટ લેટર હતા. આ પછી મેં ડન ઍન્ડ બ્રેડસ્ટ્રીટમાં ક્રેડિટ-કન્ટ્રોલર તરીકે કામ શરૂ કર્યું, પરંતુ એ દરમ્યાન મને મારી પ્રેગ્નન્સી વિશે ખબર પડી. આ સમાચાર સાંભળીને હું અને મારા પતિ બન્ને બહુ ખુશ થયાં. મેં સમગ્ર પ્રેગ્નન્સી દરમ્યાન કામ કર્યું અને એ સમયે મને હેલ્થને લગતી ઘણી તકલીફો પણ થઈ હતી.’

shilpa shirodkar bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news new zealand