19 December, 2025 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શોભા ડે
સુપરસ્ટાર ધર્મેન્દ્રનું ૨૪ નવેમ્બરે નિધન થયું હતું. ધર્મેન્દ્રના અવસાન બાદ દેઓલ-પરિવાર અને તેમનાં બીજાં પત્ની હેમા માલિનીએ તેમને માટે અલગ-અલગ પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું. એ પછી બન્ને પરિવાર વચ્ચેના મતભેદ ખુલ્લેઆમ થયા હતા. હવે લેખિકા શોભા ડેએ દાવો કર્યો છે કે ધર્મેન્દ્રના અવસાન બાદ દેઓલ-પરિવારે હેમા માલિનીને સંપૂર્ણ રીતે સાઇડલાઇન કરી દીધાં છે અને છતાં તેમણે પોતાનું ગૌરવ જાળવી રાખ્યું છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં દેઓલ-પરિવાર અને હેમા માલિનીના સંબંધો વિશે વાત કરતાં શોભા ડેએ કમેન્ટ કરી છે કે ‘હેમા માલિની માટે આ એક અત્યંત જટિલ અને મુશ્કેલ નિર્ણય રહ્યો હશે. ધર્મેન્દ્રની પ્રથમ ફૅમિલીએ હેમા માલિનીને દરેક બાબતે સંપૂર્ણ રીતે અલગ કરી દીધાં છે. તેમણે ધર્મેન્દ્ર સાથે ૪૫ વર્ષ વિતાવ્યાં હતાં. એ વ્યક્તિએ તેમને પ્રેમ આપ્યો અને તેમની જિંદગીને સમૃદ્ધ બનાવી હતી.’
શોભા ડેએ પોતાની વાત રજૂ કરતાં કહ્યું હતું કે ‘આ લગ્નથી ધર્મેન્દ્ર અને હેમાને બે દીકરીઓ છે. આ બધું અત્યંત પીડાદાયક રહ્યું હશે, પરંતુ તેમણે આ વાતને પોતાની પર્સનલ લાઇફ સુધી જ મર્યાદિત રાખી છે. તેમણે જે રીતે આ પરિસ્થિતિને સંભાળી એ જોઈને મને લાગે છે કે તેમણે આખી સ્થિતિ ગૌરવ સાથે હૅન્ડલ કરી છે. હેમાજી પોતે જ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં જાહેર દેખાડા દ્વારા પોતાની ઑથોરિટી બતાવવાને બદલે ગૌરવની પસંદગી કરવી એ તેમના સ્વભાવ વિશે ઘણું કહી જાય છે. ધર્મેન્દ્રના અવસાન પછીની ભાવુક ક્ષણોને હેમા માલિની સરળતાથી પોતાના ફાયદા માટે વાપરી શકતાં હતાં. મીડિયા તેમનાં દરેક આંસુ કવર કરવા માગતું હતું અને તેમની ખાનગી જિંદગીમાં દખલ કરવા માગતું હતું. જોકે તેમણે એવું ન થવા દીધું જે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.’