20 November, 2026 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર ચોથી ડિસેમ્બરે આવી રહેલી બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ ‘ઈઠા’ની રિલીઝની તૈયારી કરી રહી છે. આ ફિલ્મમાં તે જાણીતી મરાઠી લાવણી અને તમાશા કલાકાર વિઠાબાઈ ભાઉમાંગ નારાયણગાવકરની ભૂમિકા ભજવી રહી છે. હાલમાં આ ફિલ્મનું વાઇબ્રન્ટ ગીત ‘જી જી રે જી’ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રદ્ધાએ ફિલ્મ માટે પોતાને સંપૂર્ણપણે તૈયાર કરવાની પ્રક્રિયા વિશે ખૂલીને વાત કરી હતી.
શ્રદ્ધાએ પોતાના પ્રયાસો વિશે જણાવ્યું હતું કે ‘લાવણી ખૂબ જ સુંદર પણ મુશ્કેલ નૃત્યશૈલી છે. જ્યારે મેં ફિલ્મ સાઇન કરી ત્યારે મને લાવણી વિશે બિલકુલ જાણકારી નહોતી તેથી મેં ઘણી વર્કશૉપ કરી હતી. લાવણી-કલાકારો અને તમાશા-કલાકારોને મળી હતી. તેમની પાસેથી મેં જે શીખ્યું એ ખરેખર ખૂબ સરસ હતું. તેમણે મને કહ્યું હતું કે નૃત્ય તો શીખી જશો, પગમાં ઘૂંઘરુ બાંધીને પ્રૅક્ટિસ પણ કરી લેશો; પણ તમારે ચહેરા પર જે ભાવ વ્યક્ત કરવાના છે એને સમજવા પડશે. તમાશા-કલાકારોનું જીવન ખૂબ મુશ્કેલ રહ્યું છે તેથી તેમના નૃત્યમાં પીડાની સાથે ખુશી પણ જોવા મળે છે. મેં લાવણી ડાન્સ-સીક્વન્સ માટે કુલ ૮ કિલોનાં ઘૂંઘરુ પહેર્યાં હતાં. બન્ને પગમાં ચાર-ચાર કિલોનાં ઘૂંઘરુ બાંધીને પ્રૅક્ટિસ કરવી, એમાં કમ્ફર્ટેબલ થવું અને એને પોતાના શરીરનો જ એક ભાગ સમજવામાં ઘણો સમય લાગ્યો હતો.’