06 August, 2026 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ ફિલ્મની ભવ્ય જાહેરાત કરવામાં આવે છે, પણ સમય જતાં એ પ્રોજેક્ટ અટકી જાય છે. લગભગ ૬ વર્ષ પહેલાં જાહેર કરાયેલી અભિનેત્રી શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘નાગિન’ વિશે પણ આવી જ અટકળો ચાલી રહી હતી. જોકે હવે ફિલ્મના નિર્માતાઓએ સ્પષ્ટતા કરી છે કે ‘નાગિન’ બંધ કરવામાં આવી નથી, ફિલ્મ પર સતત કામ ચાલી રહ્યું છે અને હવે એનું શૂટિંગ શરૂ થવાની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
ફિલ્મના નિર્માતા નિખિલ દ્વિવેદીએ પ્રોજેક્ટ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મને ખબર છે કે હું અગાઉ પણ ઘણી વખત કહી ચૂક્યો છું કે આ ફિલ્મ બનશે, પણ હવે અમે આ પ્રોજેક્ટ શરૂ કરવાની ખૂબ નજીક પહોંચી ગયા છીએ. ફિલ્મની સ્ક્રિપ્ટ સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં એનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મની વાર્તા કાર્તિક આર્યનની ‘નાગઝિલા’ કરતાં સાવ અલગ હશે.’