13 August, 2026 01:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ નિગમ (સૌજન્ય : મિડ-ડે)
ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગ સામે સવાલ ઉઠાવવાથી લઈને કલાકારો માટે રૉયલ્ટીના અધિકારોની વકાલત કરવા સુધી ગાયક સોનુ નિગમ હંમેશાં પોતાના વિચારો સ્પષ્ટપણે રજૂ કરવા માટે જાણીતો રહ્યો છે. જોકે તાજેતરમાં નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ના પેપર-લીક મામલે થયેલા વિદ્યાર્થી-આંદોલન વિશે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરતો તેનો એક વિડિયો વાયરલ થયો હતો, જેના પછી તેનું આ મૌન ચર્ચાનો વિષય બન્યું હતું. એક કાર્યક્રમ દરમ્યાન જ્યારે પત્રકારોએ આ મુદ્દે વારંવાર સવાલો પૂછ્યા ત્યારે સોનુ નિગમ થોડો નારાજ દેખાયો હતો અને તેણે વાતચીતનો અંત આણ્યો હતો.
પોતાના આ નિર્ણય વિશે સ્પષ્ટતા કરતાં સોનુ નિગમે હવે કહ્યું છે કે ‘દરેક વાતચીત માટે યોગ્ય સમય અને સ્થળ હોય છે. મુંબઈમાં વિતાવેલા છેલ્લા ત્રણ દાયકામાં મેં પત્રકાર-પરિષદનો એક મૂળભૂત શિષ્ટાચાર શીખ્યો છે કે જે હેતુ માટે કાર્યક્રમ યોજાયો હોય એના પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, વાતચીતને અન્ય અસંબંધિત વિષયો પર ન ભટકવા દેવી જોઈએ. જ્યારે તમે તમારા ગુરુ પંકજ ઉધાસજીને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં આવ્યા હો ત્યારે રાજકારણની ચર્ચા કરવી એ મારા મતે અનાદર સમાન છે. આ ઉપરાંત મેં મારા પિતાને પણ વચન આપ્યું છે કે જે વિષય વિશે મને પૂરતું જ્ઞાન ન હોય એના પર હું કોઈ ટિપ્પણી નહીં કરું. હું મારા ફોનમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતો નથી. એ સિવાય મેં મારા જીવનમાં અનેક મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો છે અને સિસ્ટમમાં ઘણા સુધારા લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના અવાજ સામે અવાજ ઉઠાવવાથી લઈને કલાકારોને રૉયલ્ટીનો હક અપાવવા સુધી મેં એકલા હાથે જોખમ ઉઠાવ્યું છે. હવે અન્ય લોકોએ પણ આવું સાહસિક વલણ અપનાવવું જોઈએ અને જોવું જોઈએ કે તેઓ સમાજમાં શું પરિવર્તન લાવી શકે છે.’