13 July, 2025 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ કોટા શ્રીનિવાસ રાવને આપી શ્રદ્ધાંજલી (તસવીર: X)
સાઉથની ફિલ્મોમાં અનેક મોટા અને મહત્ત્વના રોલ કરવા માટે જાણીતા દિગ્ગજ કલાકાર કોટા શ્રીનિવાસ રાવનું નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ સિનેમામાંથી દુઃખદ સમાચાર મળી રહ્યા છે કે પ્રખ્યાત અભિનેતા કોટા શ્રીનિવાસ રાવે દુનિયાથી વિદાય લીધી છે. તેમણે ૮૩ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ લાંબા સમયથી વય સંબંધિત બીમારીથી પીડાતા હતા. રવિવારે સવારે તેમનું અવસાન થયું હોવાના અહેવાલ છે.
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ પણ કોટા શ્રીનિવાસના નિધનથી ખૂબ જ આઘાત પામ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે `બહુમુખી ભૂમિકાઓથી સિનેમા દર્શકોના દિલ જીતનારા અનુભવી અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન થયું છે. તેમનું અવસાન તેલુગુ ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે, તેમની ખાલી જગ્યા કોઈ ભરી શકતું નથી. ૧૯૯૯માં, તેઓ વિજયવાડાથી ધારાસભ્ય તરીકે જીત્યા અને જનતાની સેવા કરી. હું તેમના પરિવારના સભ્યો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.` શ્રીનિવાસના અંતિમ સંસ્કાર રવિવારે બપોરે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સીએમ નાયડુ પણ તેમને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા.
૪ દાયકા અને ૭૫૦ ફિલ્મોમાં કામ કર્યું
કોટા શ્રીનિવાસ રાવના ફિલ્મ કરિયરની વાત કરીએ, તો તેમનું સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ હતું. તેમણે ૧૯૭૮માં અભિનય કરવાની શરૂઆત કરી હતી. તેમણે ફિલ્મ `પ્રણમ ખારીડુ`થી તેમના ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી, તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેમણે તેમના ૪૦ વર્ષ એટલે કે ૪ દાયકાના કરિયરમાં લગભગ ૭૫૦ ફિલ્મોમાં ઉત્તમ કામ કર્યું છે. અભિનેતાના મૃત્યુથી ચાહકો દુઃખી છે. તેઓ તેમને ખૂબ યાદ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ ભીની આંખો સાથે તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે.
આટલું જ નહીં, શ્રીનિવાસ રાવે ફિલ્મોમાં ખલનાયકથી લઈને હાસ્ય કલાકાર સુધીના તમામ પ્રકારના પાત્રો ભજવ્યા છે અને તેમની અભિનય કુશળતા માટે ઓળખ મેળવી છે. તેમણે પોતાના પાત્રો અને અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતું, જેના કારણે તેમને ૨૦૧૫માં સિનેમામાં તેમના યોગદાન માટે ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેલુગુ ઉપરાંત, તેઓ હિન્દી, કન્નડ અને મલયાલમ ફિલ્મોનો પણ ભાગ રહ્યા હતા અને ચાહકોના ફેવરેટ બન્યા હતા.