27 March, 2025 06:53 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સોનુ નિગમ
લાઇવ મ્યુઝિકલ શોમાં દર્શકોના પર્ફોર્મન્સની સાથે-સાથે દર્શકોની ભીડને કાબૂમાં રાખવાનું કામ પ્રમાણમાં મુશ્કેલ હોય છે. ઘણી વખત નાની શરૂઆત બહુ મોટું સ્વરૂપ લઈ લે છે. આવો જ અનુભવ થયો સિંગર સોનુ નિગમને. રવિવારે દિલ્હી ટેક્નિકલ યુનિવર્સિટીના ‘ઇન્જિફેસ્ટ 2025’માં પર્ફોર્મન્સ આપતી વખતે નારાજ થયેલા દર્શકોની ભીડે સોનુ નિગમ પર બૉટલ્સ અને પથ્થર ફેંકવાનું શરૂ કરી દીધું હતું. આ કૉન્સર્ટમાં લગભગ એક લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ હાજર હતા. સદ્નસીબે સોનુ નિગમને કશી ઈજા નહોતી થઈ. જોકે આ સિચુએશનમાં સોનુએ પર્ફોર્મન્સ અધવચ્ચે અટકાવી દેવાની ફરજ પડી હતી.
કૉન્સર્ટમાં બનેલી આ ઘટનાના અનેક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે અને એમાં સોનુ દર્શકોને શાંત કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. સોનુ વિનંતી કરતાં દર્શકોને કહે છે, ‘હું અહીં તમારા માટે આવ્યો છું જેથી આપણે બધા સારો સમય ગાળી શકીએ. હું તમને મજા કરવાની ના નથી પાડતો, પણ મહેરબાની કરીને આમ વસ્તુઓ ન ફેંકો. આનાથી મારી ટીમના સભ્યોને ઈજા પહોંચી રહી છે.’
સોનુ નિગમની કૉન્સર્ટમાં ભીડ કેમ ગુસ્સે થઈ એ વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી મળી. માનવામાં આવે છે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મજાકમસ્તીમાં આની શરૂઆત કરી હતી, પણ પછી પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી.