શું આજના સમયમાં તાલ 2 બનાવી શકાય?

25 April, 2026 03:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુભાષ ઘઈએ તેમની સુપરહિટ ‘તાલ’ને યાદ કરીને ફૅન્સને આ સવાલ પૂછતાં સીક્વલની ચર્ચા ચાલી છે, ફિલ્મમેકર સુભાષ ઘઈએ પોતાની કરીઅરમાં અનેક યાદગાર ફિલ્મો બનાવી છે,

શું આજના સમયમાં તાલ 2 બનાવી શકાય?

ફિલ્મમેકર સુભાષ ઘઈએ પોતાની કરીઅરમાં અનેક યાદગાર ફિલ્મો બનાવી છે, જેમાં ૧૯૯૯માં આવેલી અનિલ કપૂર, ઐશ્વર્યા રાય અને અક્ષય ખન્નાને લીડ રોલમાં ચમકાવતી ‘તાલ’નો પણ સમાવેશ થાય છે. આ મ્યુઝિકલ-ડ્રામા ફિલ્મ એ સમયમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. ફિલ્મની રિલીઝને ૨૭ વર્ષ થઈ ગયાં છે, છતાં એનાં ગીતો અને દૃશ્યો આજે પણ તાજગીભર્યાં લાગે છે.
 હવે દિગ્દર્શક સુભાષ ઘઈએ આ ફિલ્મ સાથે જોડાયેલી જૂની યાદો તાજી કરી છે અને સાથે જ એક મહત્ત્વનો સવાલ પણ કર્યો છે કે શું આજના સમયમાં ‘તાલ’ જેવી સ્વચ્છ અને સંવેદનશીલ ફિલ્મની સીક્વલ બની શકે?
સુભાષ ઘઈએ સોશ્યલ મીડિયા પર ‘તાલ’નું પોસ્ટર શૅર કરીને લખ્યું છે, ‘આ ફિલ્મ આંતરિક અને બાહ્ય ભાવનાઓ વચ્ચેની એક અનોખી કહાની હતી. ફિલ્મમાં કોઈ વિલન નહોતો, કોઈ અશ્લીલતા નહોતી અને કોઈ લડાઈ નહોતી છતાં પણ એ દર્શકોના દિલમાં સ્થાન બનાવી શકી. આજની જેન-ઝી અને આલ્ફા જનરેશનને પણ આ ફિલ્મ પસંદ આવે છે જે એની લોકપ્રિયતાનો પુરાવો છે. શું આજે ‘તાલ 2’ બનાવી શકાય?’
સુભાષ ઘઈની આ પોસ્ટ પર ચાહકો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને ‘તાલ’ની સીક્વલ બનવાની હોવાની ચર્ચા ચાલી છે.

subhash ghai bollywood buzz bollywood news bollywood gossips entertainment news