13 May, 2025 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુચિત્રા કૃષ્ણમૂર્તિ
સુચિત્રા કૃષ્ણમૂર્તિએ શાહરુખ ખાનની હિરોઇન તરીકે ૧૯૯૪માં રિલીઝ થયેલી ‘કભી હાં કભી ના’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને તે ફિલ્મમેકર શેખર કપૂરની ભૂતપૂર્વ પત્ની પણ છે. હાલમાં સુચિત્રાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે ભૂતપૂર્વ પતિ શેખર કપૂરનો પરિવાર તે દીકરાને જન્મ આપે એ માટે દબાણ કરતો હતો અને તે તેના જીવનનો પહેલો આઘાત હતો.
પોતાના ઇન્ટરવ્યુમાં સુચિત્રાએ જણાવ્યું હતું કે ‘હું જ્યારે દીકરી કાવેરી વખતે પ્રેગ્નન્ટ હતી ત્યારે લંડનમાં હતી. લંડનમાં જન્મ પહેલાં બાળકના લિંગની તપાસ કાયદેસર છે અને આ સમયે મારા સસરા (શેખર કપૂરના પિતા) વારંવાર ફોન કરીને પૌત્રની ઇચ્છા વ્યક્ત કરતા હતા. મારા સસરા રોજ મને ફોન કરતા અને કહેતા કે હું મારા પૌત્રની રાહ જોઈ રહ્યો છું. મારો પરિવાર અને માતા-પિતા દીકરીના આગમનથી ખૂબ ખુશ હતાં. અમે બધાં ખૂબ ખુશ હતા. મારા માતા-પિતા અને પરિવાર ઉત્સાહિત હતો, પૂજા કરી રહ્યો હતો, મીઠાઈઓ વહેંચી રહ્યો હતો, પણ મારા સસરાની વારંવારની ‘દીકરી ન હોવી જોઈએ’ એવી ટિપ્પણીઓએ અમારી ખુશીને ઝાંખી કરી દીધી. આખરે આ દબાણથી કંટાળીને મેં તેમની સાથે વાતચીત બંધ કરી દીધી હતી.’
સુચિત્રા અને શેખર કપૂરે ૧૯૯૭માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૦૧માં તેમની દીકરી કાવેરીનો જન્મ થયો હતો. ૨૦૦૭માં તેમના ડિવૉર્સ થયા અને સુચિત્રા માને છે કે એ તેમના જીવનનો સૌથી પડકારજનક સમયગાળો હતો.