05 August, 2026 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુદેશ બેરી અને શાહરૂખ ખાન
શાહરુખ ખાને ૧૯૯૨માં આવેલી ફિલ્મ ‘દીવાના’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી અને રાતોરાત ચર્ચામાં આવી ગયો હતો પણ કરીઅરને સાચા અર્થમાં નવી ઊંચાઈએ પહોંચાડવાનું કામ ૧૯૯૩માં આવેલી યશ ચોપડાની ફિલ્મ ‘ડર’એ કર્યું હતું. બહુ ઓછા લોકોને ખબર હશે કે ‘ડર’માં શાહરુખે ભજવેલા રાહુલ મેહરાના પાત્ર માટે શાહરુખ પહેલી પસંદ નહોતો. યશ ચોપડાએ શરૂઆતમાં આ ભૂમિકા માટે સુદેશ બેરીને લગભગ ફાઇનલ કરી દીધો હતો અને તેના માટે કૉસ્ચ્યુમ પણ તૈયાર થઈ ગયા હતા. જોકે પછી યશ ચોપડાએ પોતાનો નિર્ણય બદલ્યો અને આ પાત્ર માટે શાહરુખને પસંદ કર્યો.
પોતાના જીવનની આ તક વિશે વાત કરતાં સુદેશ બેરીએ કહ્યું હતું કે ‘મને ‘ડર’માં આ પાત્ર ઑફર કરવામાં આવ્યું હતું અને મારા કૉસ્ચ્યુમ પણ તૈયાર થઈ ગયા હતા. બીજા મુખ્ય પાત્ર માટે શરૂઆતથી જ મોટા અભિનેતાને લેવાનો વિચાર હતો. પહેલાં રિશી કપૂર અને પછી આમિર ખાનના નામ પર વિચાર થયો અને અંતે સની દેઓલને પસંદ કરવામાં આવ્યો. ફિલ્મના ક્લાઇમૅક્સમાં એક દૃશ્ય હતું જેમાં મારા પાત્રને બીજા મુખ્ય અભિનેતાને મુક્કો મારવાનો હતો. નિર્માતાઓને લાગ્યું કે સુદેશ જેવા નવા અભિનેતા દ્વારા સની જેવા મોટા સુપરસ્ટારને પડદા પર મુક્કો મારતો દેખાડવો યોગ્ય નહીં લાગે. આ જ કારણસર અંતિમ ક્ષણે મને ફિલ્મમાં રિપ્લેસ કરી દેવામાં આવ્યો. મેં આજ સુધી ‘ડર’ ફિલ્મ જોઈ નથી. યશ ચોપડા અત્યંત જુસ્સા સાથે ફિલ્મો બનાવતા હતા અને કદાચ એ જ જુસ્સાના કારણે તેમની ફિલ્મો યાદગાર બની શકી.’