મારા જીવનના મહત્ત્વના તમામ મામલામાં ફાઇનલ નિર્ણય લે છે મમ્મી-પપ્પા

24 January, 2026 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને જાહેરમાં આ વાતનો કર્યો સ્વીકાર, પિતા શાહરુખ મને જીવન વિશે વિસ્તૃત, ભાવનાત્મક અને ઊંડાણભરી સલાહ આપે છે; જ્યારે મમ્મી ગૌરી સીધી, સ્પષ્ટ અને કોઈ ગૂંચવણ વિના વાત કરે છે. બન્નેના વિચારોથી જ મને મારું સંતુલન મળે છે.

મારા જીવનના મહત્ત્વના તમામ મામલામાં ફાઇનલ નિર્ણય લે છે મમ્મી-પપ્પા

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પોતાનો રસ્તો જાતે બનાવતી વખતે નવા વિકલ્પ અજમાવવા અને અલગ-અલગ અનુભવો મેળવવા ઉત્સુક રહે છે. જોકે સુહાનાએ સ્વીકાર્યું છે કે મોટા અને મહત્ત્વપૂર્ણ મામલામાં ફાઇનલ નિર્ણય શાહરુખ ખાન અને ગૌરી ખાન જ લે છે. 

હાલમાં એક ઇન્ટરવ્યુમાં સુહાનાએ તેના જીવન અને પ્રોફેશનલ નિર્ણયો વિશે વાત કરતાં કહ્યું હતું, ‘નિર્ણયો લેતી વખતે મારા માટે પહેલું સ્થાન ઇન્સ્ટિન્ક્ટનું રહે છે. ત્યાર બાદ લૉજિક આવે છે અને આ સમગ્ર પ્રક્રિયા ઘણી વાર વધારે વિચાર-વિમર્શ સાથે જોડાયેલી હોય છે. આવા સમયે હું મમ્મી-પપ્પાનો સહારો લઉં છું. મારે મારાં મમ્મી-પપ્પાને પૂછવું જ પડે, કારણ કે અંતિમ નિર્ણય તેમનો જ હોય છે.’

આ ઇન્ટરવ્યુમાં સુહાનાએ મમ્મી-પપ્પાના સલાહ આપવાના અલગ-અલગ અંદાજ વિશે વાત કરતાં કહ્યું હતું, ‘પિતા શાહરુખ મને જીવન વિશે વિસ્તૃત, ભાવનાત્મક અને ઊંડાણભરી સલાહ આપે છે; જ્યારે મમ્મી ગૌરી સીધી, સ્પષ્ટ અને કોઈ ગૂંચવણ વિના વાત કરે છે. બન્નેના વિચારોથી જ મને મારું સંતુલન મળે છે. જ્યારે દબાણ વધી જાય છે ત્યારે  હું એક સમયે એક જ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરું છું.’

bollywood buzz Shah Rukh Khan suhana khan gauri khan bollywood news bollywood entertainment news