29 June, 2026 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ શેટ્ટી
સુનીલ શેટ્ટીએ પોતાના દમ પર બૉલીવુડમાં આગવી ઓળખ બનાવી છે. કોઈ ગૉડફાધરના સહારા વિના તેણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સ્થાન જાળવી રાખ્યું અને સફળતા પણ મેળવી. સુનીલને સફળતા તો તેની પહેલી ફિલ્મ ‘બલવાન’થી જ મળી ગઈ હતી પણ એ સફળતા પછી પણ તેણે તેના લુક અને ઍક્ટિંગને કારણે ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
સુનીલે પોતાના સંઘર્ષના સમયને યાદ કરતાં જણાવ્યું હતું કે ‘જ્યારે ‘બલવાન’ રિલીઝ થઈ ત્યારે એ બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી પણ એક મોટા ફિલ્મ-સમીક્ષકે કહ્યું કે ફિલ્મ તો ચાલી ગઈ પણ ઍક્ટર બહુ ખરાબ છે અને તેણે પોતાની દુકાનમાં ઇડલી-વડાં વેચવાં જોઈએ. તેમને લાગતું હતું કે તેઓ મારી મજાક ઉડાવી રહ્યા છે, પણ જો હું આજે પણ લગભગ ૩૫ વર્ષ બાદ ઇન્ડસ્ટ્રીમાં ટકી શક્યો છું તો એનું સૌથી મોટું કારણ મારી ઇડલી-વડાંની રેસ્ટોરાં અને મારો બિઝનેસ છે. હું બધું જ કરતો હતો. હું ટેબલ સાફ કરતો હતો, ભોજન પીરસતો હતો અને રસોડામાં પણ કામ કરતો હતો. એમાં શરમ જેવી કોઈ વાત નથી. હું ત્યારે પણ સુનીલ શેટ્ટી હતો અને આજે પણ સુનીલ શેટ્ટી જ છું.’