ગોવિંદા કોઈ સ્ટુપિડ સ્ત્રી માટે મને નહીં છોડે

13 May, 2025 10:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુનીતાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું, મને વિશ્વાસ છે કે ભગવાન ક્યારેય મારું ઘર નહીં તોડે

ગોવિંદા અને તેની પત્ની સુનીતા

ગોવિંદા અને તેની પત્ની સુનીતાના દાયકાઓ જૂના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાની સતત ચર્ચા ચાલતી જ રહી છે ત્યારે ફરી એક વખત સુનીતાએ એક ઇન્ટરવ્યુમાં પતિ ગોવિંદાથી અલગ થવાની કોઈ પણ વાતને નકારી કાઢી અને પોતાનો અડગ વિશ્વાસ દર્શાવ્યો કે તેમનું લગ્નબંધન અતૂટ છે.

સુનીતાએ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘જે દિવસે આ વાત મેં કે ગોવિંદાએ કહી ત્યારે વસ્તુ અલગ હતી, પણ અત્યારે આ ચર્ચા પાયા વગરની છે. મને નથી લાગતું કે ગોવિંદા મારા વિના રહી શકે અને સાચું કહું તો હું પણ ગોવિંદા વગર રહી શકું એમ નથી અને ગોવિંદા ક્યારેય કોઈ સ્ટુપિડ સ્ત્રી માટે પોતાના પરિવારને નહીં છોડે. આ ચર્ચાઓ નિરાધાર છે અને કોઈએ સંબંધિત વ્યક્તિઓ પાસેથી સત્ય સાંભળ્યા વિના અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. હું આને ક્યારેય સ્વીકારીશ નહીં અને જો કોઈનામાં હિંમત હોય તો તેઓએ મારી પાસે સીધું પૂછવું જોઈએ. જો આવું કંઈક બને તો હું સૌથી પહેલાં મીડિયા સાથે વાત કરીશ, પરંતુ મને વિશ્વાસ છે કે ભગવાન ક્યારેય મારું ઘર નહીં તોડે.’

સુનીતા અને ગોવિંદાએ ૧૯૮૬માં લગ્ન કર્યાં હતાં અને તેઓ બે બાળકો ટીના આહુજા અને યશવર્ધન આહુજાનાં માતા-પિતા છે.

govinda relationships bollywood bollywood gossips bollywood buzz bollywood news entertainment news