19 February, 2026 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોવિંદા અને સુનીતા આહુજાની ફાઇલ તસવીર
ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાની પર્સનલ રિલેશનશિપને લઈને સતત ચર્ચામાં છે. અનેક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગોવિંદાએ પત્નીને દગો આપ્યો છે. એક તબક્કે બન્ને ડિવૉર્સ લેવાના છે એવી અટકળો પણ ચાલી રહી હતી. સુનીતાએ પોતાના એક ઇન્ટરવ્યુમાં પતિ ગોવિંદા પર અફેરનો આરોપ લગાવતાં કહ્યું હતું કે સંઘર્ષ કરતી એક નવોદિત ઍક્ટ્રેસ સાથે રિલેશનશિપ છે અને તે ગોવિંદાનો આર્થિક તેની લાભ માટે ઉપયોગ કરી રહી છે.
તાજેતરમાં પોતાના એક વ્લૉગમાં સુનીતાએ કેટલાક પત્રકારોને આમંત્રિત કર્યા હતા અને ખુલ્લી વાતચીત કરી હતી. આ વાતચીત દરમ્યાન સુનીતાએ જણાવ્યું કે તે પોતાની શરતે ગોવિંદાને માફ કરવા માટે તૈયાર છે. ગોવિંદા સાથેના સંબંધો વિશે વાત કરતાં સુનીતાએ પત્રકારોને કહ્યું, ‘કદાચ તમને ખબર નહીં હોય, ગોવિંદા મારા બાળપણનો પ્રેમ છે. જો તે સુધરી જાય અને અમારી ઇચ્છા પ્રમાણે રહે તો હું તેને માફ કરી દઈશ. મીડિયામાં જે કંઈ ચાલી રહ્યું છે એ હું સાંભળવા માગતી નથી. આ બધું સહન કરવાની હવે મારી ઉંમર નથી. હું મેનોપૉઝમાંથી પસાર થઈ રહી છું. આ સમય દરેક સ્ત્રી માટે સંવેદનશીલ હોય છે. આ સમયે પતિ અને બાળકોના સહકારની જરૂર પડે છે, મન અસ્થિર રહે છે અને એવી વ્યક્તિની જરૂર પડે છે જે પ્રેમ આપે અને તનાવ ન આપે.’
પોતાની લાગણી વ્યક્ત કરતાં સુનીતા આહુજાએ કહ્યું, ‘મેં જીવનમાં ઘણું સહન કર્યું છે, પરંતુ હવે વધુ નહીં. હવે મેં મારી પોતાની ઓળખ બનાવી લીધી છે. હું હંમેશાં ભાવુક રહીશ, કારણ કે ૪૦ વર્ષનો સંબંધ એક રાતમાં તૂટી શકતો નથી; પરંતુ હવે મારું દિલ મજબૂત બની ગયું છે. હું હંમેશાં સત્ય બોલું છું. હું દરેક સ્ત્રીને કહું છું કે તે પોતાના હક માટે લડે. જ્યારે મારાં સાસરિયાં આસપાસ હોય ત્યારે હું ચૂપ રહેતી હતી, કારણ કે હું તેમને ખૂબ પ્રેમ અને માન આપતી હતી. હવે મારા પતિ અને હું મિત્રો છીએ તો પછી હું શા માટે તેની વાતો શાંતિથી સાંભળતી રહું અથવા ડરમાં જીવું?’