ડિવૉર્સ કૅન્સલ

20 August, 2026 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાંદરાની ફૅમિલી કોર્ટમાં જઈને ગોવિંદા સામેનો છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો સુનીતા આહુજાએ, થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે સુનીતાએ પતિ ગોવિંદાથી છૂટાછેડા લેવા માટે કેસ ફાઇલ કર્યો છે.

ગઈ કાલે બાંદરાની ફૅમિલી કોર્ટમાંથી બહાર નીકળતાં સુનીતા આહુજા અને તેનો દીકરો યશવર્ધન.

ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા લાંબા સમયથી પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. બન્ને વચ્ચેની તકરાર હવે પબ્લિકમાં પણ આવી ગઈ છે. થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે સુનીતાએ પતિ ગોવિંદાથી છૂટાછેડા લેવા માટે કેસ ફાઇલ કર્યો છે. ગઈ કાલે સુનીતા બાંદરામાં આવેલી ફૅમિલી કોર્ટની બહાર પણ જોવા મળી હતી જેના પગલે બન્નેના ડિવૉર્સની ચર્ચાએ વેગ પકડ્યો હતો. જોકે પછી સ્પષ્ટતા થઈ હતી કે સુનીતા ફૅમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ પાછો ખેંચવા માટે ગઈ હતી. રિપોર્ટ પ્રમાણે સુનીતાએ પહેલાં છૂટાછેડાનો જે કેસ ફાઇલ કર્યો હતો એ જ કેસ પાછો ખેંચવા માટે તે ફૅમિલી કોર્ટ પહોંચી હતી.

ગોવિંદાના મૅનેજર શશી સિન્હાએ પણ છૂટાછેડાનો કેસ પાછો ખેંચવામાં આવ્યો હોવાના અહેવાલોની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ‘એક વખત સુનીતા કોર્ટ પહોંચી ગઈ તો આખી દુનિયાને ખબર પડી ગઈ. શું દુનિયાને જાણવાની જરૂર છે? એની કોઈ જરૂર નથી. પરિવારની બાબતો પરિવાર સુધી જ રહેવી જોઈએ. બેસીને વાત કરવાથી ઘણી બાબતો ઠીક થઈ જાય છે. જો આજે કેસ પાછો જ લેવાનો હતો તો તેમણે કેસ ફાઇલ જ કેમ કરાવ્યો હતો? એનાથી મને દુઃખ થાય છે. આપણે તમાશો કેમ બનીએ? બધું જ બહુ અચાનક થયું. ગોવિંદાનું કોઈ રીઍક્શન નથી. ભગવાન સૌને સમજણ આપે. સૌ સમજદારીથી કામ કરે. મેં હંમેશાં ગોવિંદા, સુનીતા અને તેમનાં બાળકો માટે સારું જ કહ્યું છે.’

બર્થ-ડે મનાને આએ થે કોર્ટ મેં : સુનીતા આહુજા
ગઈ કાલે ગોવિંદાની પત્ની સુનીતા આહુજા અને દીકરો યશવર્ધન આહુજા બાંદરાની ફૅમિલી કોર્ટની બહાર જોવા મળ્યાં હતાં. તેઓ કોર્ટની બહાર જઈ રહ્યાં હતાં ત્યારે ફોટોગ્રાફર્સ તેમને ઘેરી વળતાં દીકરો યશવર્ધન ગુસ્સે થઈ ગયો હતો. યશવર્ધન પોતાની માતાને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો હતો અને તેણે અકળાઈને ‘જાને દીજિએ’ની બૂમ પાડીને જવા દેવાનું કહ્યું હતું. તેઓ જ્યારે કારમાં બેસી રહ્યાં હતાં ત્યારે ફોટોગ્રાફર્સે સુનીતાને વારંવાર સવાલ કર્યો હતો કે તેઓ કોર્ટમાં શા માટે આવ્યાં હતાં. આ વાતનો જવાબ આપતાં સુનીતાએ કટાક્ષ કરતાં કહ્યું, ‘બર્થ-ડે મનાને આએ થે કોર્ટ મેં.’

sunita ahuja yashvardhan ahuja govinda bollywood buzz bollywood controversies bollywood news bollywood gossips bollywood entertainment news bandra