સની દેઓલ અને અક્ષય ખન્નાની ઇક્કા OTT પર આવે એ પહેલાં સ્પેશ્યલ ફૅન-સ્ક્રીનિંગ કરવાનું પ્લાનિંગ

23 June, 2026 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સની અને અક્ષય છેલ્લે ૧૯૯૭માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘બૉર્ડર’માં સાથે જોવા મળ્યા હતા. હવે ૨૯ વર્ષ બાદ બન્ને ફરી એક વાર એક જ ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.

આ ફિલ્મ ૧૦ જુલાઈએ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે

સની દેઓલ અને અક્ષય ખન્ના હવે ‘ઇક્કા’માં સાથે જોવા મળવાના છે. આ ફિલ્મ ૧૦ જુલાઈએ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. હાલમાં સની અને અક્ષય બન્નેની કરીઅર જબરદસ્ત ચાલી રહી છે ત્યારે તેમની આ ફિલ્મ ચર્ચાનો મુદ્દો બની છે. હવે રિપોર્ટ છે કે આ ફિલ્મ OTT પર રિલીઝ થાય એ પહેલાં એનું થિયેટરોમાં સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજાશે. સની અને અક્ષયની આ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મમાં દિયા મિર્ઝા, તિલોત્તમા શોમ અને સંજીદા શેખ જેવાં કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

‘ઇક્કા’ દર્શકો માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ ફિલ્મમાં ‘બૉર્ડર’નાં લગભગ ૩૦ વર્ષ બાદ સની દેઓલ અને અક્ષય ખન્ના એકસાથે સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા માટે તૈયાર છે, પણ એની જાહેરાત થયા પછીથી ચાહકો સતત ડિમાન્ડ કરી રહ્યા હતા કે એને થિયેટરોમાં પણ રિલીઝ કરવામાં આવે. હવે લાગે છે કે દર્શકોની આ ઇચ્છા પૂર્ણ થઈ શકે છે, કારણ કે મળતી માહિતી પ્રમાણે સની અને અક્ષયના ચાહકો માટે કેટલાંક થિયેટરોમાં એનું ફૅન-સ્ક્રીનિંગ યોજાઈ શકે છે. ‘ઇક્કા’ ૧૦ જુલાઈએ નેટફ્લિક્સ પર રિલીઝ થાય એ પહેલાં ૮ જુલાઈએ એનું ફૅન-સ્ક્રીનિંગ યોજાશે. આ સ્પેશ્યલ સ્ક્રીનિંગ અંદાજે ત્રણથી ૪ શહેરોમાં યોજાઈ શકે છે. જોકે અત્યાર સુધી મેકર્સ અથવા સની દેઓલ તરફથી આ વિશે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પણ જો આવું થાય તો એ મોટી સરપ્રાઇઝ સાબિત થશે.

શું છે આ ફિલ્મમાં?

આ ફિલ્મ એક કોર્ટરૂમ ડ્રામા છે જેમાં કાયદો, ન્યાય, સત્ય અને લાગણીઓ વચ્ચેનો સંઘર્ષ જોવા મળશે. ફિલ્મમાં સની એક ઈમાનદાર અને સિદ્ધાંતવાદી વકીલની ભૂમિકામાં જોવા મળશે. તેને પોતાના ભૂતકાળ સાથે જોડાયેલી એક વ્યક્તિનો કેસ લડવાની ફરજ પડે છે. આ વ્યક્તિનું પાત્ર અક્ષય ભજવી રહ્યો છે અને તે હત્યાના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યો છે. કેસ આગળ વધે છે તેમ સનીનું પાત્ર એવી પરિસ્થિતિમાં ફસાઈ જાય છે જ્યાં તેના સૌથી મજબૂત સિદ્ધાંતો અને માન્યતાઓને પડકાર મળે છે. પોતાની વ્યાવસાયિક જવાબદારીઓ, વફાદારી અને સત્ય વચ્ચે સંતુલન જાળવવાનો સંઘર્ષ ફિલ્મનો મુખ્ય આધાર બનશે. ‘ઇક્કા’ સની દેઓલ માટે ખાસ ફિલ્મ છે કારણ કે આ તેની OTT કરીઅરની પહેલી ફિલ્મ છે.

 

sunny deol akshaye khanna upcoming movie netflix dia mirza tillotama shome sanjeeda sheikh entertainment news bollywood bollywood news