21 August, 2026 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બટવારા 1947ને ધમાકેદાર સફળતા ન મળી એટલે એના OTT રાઇટ્સની કિંમત થઈ ગઈ અડધી
બૉલીવુડના સુપરસ્ટાર્સ સની દેઓલ અને આમિર ખાન વચ્ચે મતભેદ સર્જાયો હોવાના સમાચાર છે. રિપોર્ટ પ્રમાણે ‘બટવારા 1947’ના OTT રાઇટ્સને લઈને બન્ને કલાકારો સામસામે આવી ગયા છે. આમિરે ફિલ્મ માટે મળેલી ૬૦ કરોડ રૂપિયાની ઑફર ઠુકરાવી દીધી હતી અને એના કારણે સની દેઓલને મોટું નુકસાન થયું હોવાનું કહેવાય છે.
મળતી માહિતી પ્રમાણે આમિર જ્યારે પોતાની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ની રિલીઝની તૈયારી કરી રહ્યો હતો ત્યારે એક OTT પ્લૅટફૉર્મે ‘બટવારા 1947’ના OTT રાઇટ્સ ખરીદવા માટે ૬૦ કરોડ રૂપિયાથી વધુની ઑફર કરી હતી. જોકે આમિરે આ ઑફર સ્વીકારી નહોતી, કારણ કે એ સમયે આમિર ડિજિટલ કન્ટેન્ટને લઈને કેટલાક નવા પ્રયોગ કરવા માગતો હતો. આમિરનો પ્લાન ફિલ્મને ‘પે-પર-વ્યુ’ અથવા ‘વિડિયો-ઑન-ડિમાન્ડ’ મૉડલ દ્વારા યુટ્યુબ પર રિલીઝ કરવાનો હતો. આ પ્રકારના પ્લાનને કારણે તેણે ‘બટવારા 1947’ના OTT રાઇટ્સ માટે મળેલી ઑફર ઠુકરાવી દીધી હતી પણ એનું નુકસાન સનીને થયું છે. ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. ટિકિટબારી પર ફિલ્મ નિષ્ફળ ગયા બાદ એના OTT રાઇટ્સની કિંમત પણ અડધી થઈ ગઈ હોવાનું કહેવાય છે. અગાઉ ૬૦ કરોડ રૂપિયાથી વધુની ઑફર હતી, જે હવે ઘટીને આશરે ૩૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
હકીકતમાં ‘બટવારા 1947’ને લઈને આમિર અને સની વચ્ચે એવી સમજૂતી થઈ હતી કે ફિલ્મમાંથી થનારા નફામાંથી પચાસ ટકા હિસ્સો સનીને મળશે. આમિરે OTT ડીલ ઠુકરાવી દેતાં સનીને આર્થિક નુકસાન થયું છે અને આ મોટું નુકસાન બન્ને વચ્ચેના વિવાદનું કારણ બન્યું હોવાની ચર્ચા છે.