બટવારા 1947માં સની દેઓલનું કૅરૅક્ટર સુપરમૅન અને આયર્નમૅનથી પણ દમદાર

10 August, 2026 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ દાવો કર્યો છે કે તેમના આ હીરો સામે કોઈ સુપરહીરો ટકી ન શકે

સની દેઓલ અને રાજકુમાર સંતોષી

સની દેઓલ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘બટવારા 1947’ના પ્રમોશનમાં પૂરા જોશથી વ્યસ્ત છે. આ દરમ્યાન ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ સનીના કૅરૅક્ટરને લઈને દાવો કર્યો છે કે સનીનું પાત્ર એટલું દમદાર છે કે તેની સામે સુપરમૅન અને આયર્નમૅન પણ ઝાંખા પડી જશે.
રાજકુમાર સંતોષીએ સનીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘ફિલ્મમાં સનીનું કૅરૅક્ટર એવું છે કે દુનિયાનો કોઈ પણ સુપરહીરો તેની સામે ટકી શકે નહીં. ‘ગદર’નો તારા સિંહ પોતાના હક માટે લડે છે. અમારી ફિલ્મનું કૅરૅક્ટર કોઈ અન્ય વ્યક્તિ માટે લડે છે અને આ માટે તે પોતાના પરિવારની પણ પરવા કરતો નથી. મને વિશ્વાસ છે કે હું સારા ઍક્શન હીરો લખી શકું છું, પછી તે ‘ઘાતક’ હોય કે ‘ઘાયલ’. આ ફિલ્મમાં મેં સની માટે જે પાત્ર લખ્યું છે તેને હું સુપરમૅન, આયર્નમૅન અને બાકીના તમામ સુપરહીરોઝ કરતાં પણ વધુ સારું માનું છું. અહીં સની કટ્ટરતા સામે લડી રહ્યો છે.’

શું છે બટવારા 1947ની વાર્તા?

‘બટવારા 1947’ની વાર્તા લેખક અસગર વજાહતના પ્રસિદ્ધ નાટક ‘જિસ લાહૌર નઇ દેખ્યા ઓ જમ્યાઇ નઇ’ પર આધારિત છે જેમાં દેશના ભાગલાની પીડાને માનવીય દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવી છે. ફિલ્મના ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે સની દેઓલ એક મુસ્લિમ વ્યક્તિના પાત્રમાં જોવા મળશે જે દેશના ભાગલા દરમ્યાન પોતાના પરિવાર સાથે પાકિસ્તાન પહોંચે છે. ત્યાં તેને એક વૃદ્ધ હિન્દુ મહિલા મળે છે જે તેના ઘરમાં રહેતી હોય છે અને ઘર છોડવાનો ઇનકાર કરે છે. ત્યાર બાદ તે મુસ્લિમ વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં પોતાની સાથે-સાથે તે મહિલાની પણ સુરક્ષા કરે છે.

બટવારા 1947માં પાકિસ્તાનીઓને ખલનાયક નહીં પણ સામાન્ય માનવી તરીકે દર્શાવ્યા છે

સની દેઓલે સ્પષ્ટતા કરી કે અમે ફિલ્મને ક્યારેય કૃત્રિમ રીતે તટસ્થ બનાવવાનો કે કોઈ ખાસ વિચારધારા પ્રમાણે ઘડવાનો પ્રયાસ નથી કર્યો

ફિલ્મમેકર રાજકુમાર સંતોષી અને સની દેઓલની જોડી લગભગ ત્રણ દાયકા બાદ ફિલ્મ ‘બટવારા 1947’ સાથે મોટા પડદા પર ફરી સાથે આવી રહી છે. દેશના ભાગલાની પૃષ્ઠભૂમિ પર આધારિત આ પિરિયડ ડ્રામા ફિલ્મમાં લાહોરના એક એવા મુહાજિર પરિવારની વાર્તા દર્શાવવામાં આવી છે જે એક વૃદ્ધ હિન્દુ મહિલાની રક્ષા કરે છે.
હાલમાં ફિલ્મની એક પ્રમોશનલ ઇવેન્ટમાં સની દેઓલે ફિલ્મની વાર્તા, વિષય અને પોતાના પાત્ર વિશે વાત કરી હતી. ફિલ્મ વિશે વાત કરતાં સની દેઓલે કહ્યું હતું કે ‘આજના સમયમાં હિન્દી સિનેમામાં એવી ફિલ્મો બહુ ઓછી બને છે જેમાં પાકિસ્તાની લોકોને માત્ર ખલનાયક તરીકે નહીં પણ એક સામાન્ય માનવી તરીકે રજૂ કરવામાં આવે. મેં ૨૦૧૦માં રાજકુમાર સંતોષી પાસેથી આ વાર્તા સાંભળી હતી અને ત્યારથી અમે આ ફિલ્મ બનાવવાની ઇચ્છા રાખતા હતા. અમે ક્યારેય વાતાવરણ કે રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામ કર્યું નથી. અમે માત્ર એક વાર્તા કહી રહ્યા છીએ. અમારા મનમાં કોઈ ખોટો આશય નથી. આ રાજકુમાર સંતોષીની વાર્તા છે અને અમે એને જેવી છે એવી જ રીતે રજૂ કરી છે. અમે એને કૃત્રિમ રીતે તટસ્થ બનાવવાનો પ્રયાસ કર્યો નથી. પાત્રો જેમ લખાયાં છે એવાં જ દર્શાવવામાં આવ્યાં છે. જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમે એમાં એટલા ખોવાઈ જશો કે બહાર નીકળતી વખતે ખુશી અને સંતોષની લાગણી અનુભવશો. ફિલ્મ તમને સમજાવશે કે ભાગલા શું હતા અને મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાનાં મૂલ્યો સાથે અડગ રહેવું કેટલું જરૂરી છે. અમે વિષયમાં કોઈ ફેરફાર કર્યો નથી. જે વાર્તા છે એ જ રજૂ કરી છે. ફિલ્મને કોઈ ખાસ વિચારધારા પ્રમાણે ઘડવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી.’

sunny deol preity zinta karan deol superman iron man upcoming movie indian films indian cinema latest films entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips bollywood events bollywood