04 January, 2026 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલ
સની દેઓલની ‘બૉર્ડર 2’ ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે પણ એ પહેલાં શુક્રવારે એના ગીત ‘ઘર કબ આઓગે’ની રિલીઝ દરમ્યાન જેસલમેરમાં એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન સની દેઓલે ખુલાસો કર્યો હતો કે મને ‘બૉર્ડર’ ફિલ્મ કરવા માટે દિવંગત પિતા ધર્મેન્દ્રએ પ્રેરણા આપી હતી. આ ઇવેન્ટ દરમ્યાન પિતા વિશે વાત કરતાં સની ભાવુક થઈ ગયો હતો અને એક તબક્કે તેણે કહી દીધું હતું કે ‘મૈં ઝ્યાદા બોલ નહીં પાઉંગા, મેરા દિમાગ હિલા હુઆ હૈ.’
સનીએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મેં ‘બૉર્ડર’ એટલા માટે કરી હતી કારણ કે જ્યારે હું બહુ નાનો હતો ત્યારે મેં પાપાની ફિલ્મ ‘હકીકત’ જોઈ હતી. એ ફિલ્મ મને બહુ ગમી હતી. પછી જ્યારે હું ઍક્ટર બન્યો ત્યારે મેં નક્કી કર્યું કે હું પણ પાપા જેવી એક ફિલ્મ કરીશ. મેં જે. પી. દત્તાસાહેબ સાથે વાત કરી અને અમે બન્નેએ આ વિષય પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો, જે બહુ સુંદર છે અને આજે પણ તમારા સૌના દિલમાં વસેલી છે.’