12 May, 2025 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘લાહોર 1947’ ફિલ્મનું પોસ્ટર
સની દેઓલ તેની ફિલ્મ ‘જાટ’ને મળેલી સરેરાશ સફળતા પછી હવે તેની આગામી ફિલ્મો પર ધ્યાન આપી રહ્યો છે. સનીની આગામી ફિલ્મોમાં ‘લાહોર 1947’ અને ‘બૉર્ડર 2’ મુખ્ય છે. અત્યાર સુધી ‘લાહોર 1947’નું કામ ઝપાટાભેર આગળ વધી રહ્યું હતું. જોકે હાલમાં ભારત અને પાકિસ્તાનના વણસેલા સંબંધોને કારણે આ ફિલ્મનું કામ હાલમાં અટકાવી દેવામાં આવ્યું છે અને હવે સની દેઓલનું ધ્યાન ‘બૉર્ડર 2’ પર કેન્દ્રિત છે. વર્તમાન રાષ્ટ્રવાદી લાગણીઓ અને ભારત-પાકિસ્તાન તનાવને ધ્યાનમાં રાખીને, ‘બૉર્ડર 2’ને પહેલાં રિલીઝ કરવાનું આયોજન છે, કારણ કે એ પાકિસ્તાની સેના સામે લડતા ભારતીય સૈનિકોની વાર્તા દર્શાવે છે અને એ દેશના હાલના મૂડ સાથે મૅચ થાય છે.
રિપોર્ટ પ્રમાણે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવને કારણે સની દેઓલે ‘લાહોર 1947’ના બાકી રહેલા ૧૫ દિવસના પૅચવર્ક શૂટિંગને હાલ પૂરતું રોકી દીધું છે. સનીને ડર છે કે વર્તમાન પરિસ્થિતિમાં આ ફિલ્મના સંદેશને ખોટી રીતે સમજવામાં આવી શકે છે, કારણ કે ‘લાહોર 1947’ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સકારાત્મક સંબંધોને દર્શાવે છે. આ ફિલ્મ લેખક અસગર વજાહતના નાટક ‘જિસ લાહોર નઈ દેખ્યા, ઓ જમ્યાઈ ની’ પર આધારિત છે. આ નાટક ભારત અને પાકિસ્તાનના વિભાજનની આસપાસની વાર્તા રજૂ કરે છે અને સાંપ્રદાયિક સદ્ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
‘લાહોર 1947’ આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ બની રહી છે અને આમિર ખાન આ ફિલ્મનો નિર્માતા છે. ફિલ્મમાં સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા, શબાના આઝમી, અલી ફઝલ અને કરણ દેઓલ સહિતના કલાકારો છે. આ ફિલ્મ ૨૦૨૫ની ૧૫ ઑગસ્ટે રિલીઝ થવાની યોજના હતી પણ હવે એમાં વિલંબ થાય એવી શક્યતા છે.
શું છે ‘લાહોર 1947’ની વાર્તા?
‘લાહોર 1947’ ફિલ્મ વિભાજનના સમયે લખનઉથી લાહોર સ્થળાંતર કરનારા એક મુસ્લિમ પરિવારની વાર્તા રજૂ કરે છે, જેમને હિન્દુ પરિવારે છોડેલી હવેલી આપવામાં આવે છે. જોકે તેમને જાણવા મળે છે કે હવેલીમાં એક વૃદ્ધ હિન્દુ મહિલા રહે છે, તે એને છોડવા માગતી નથી. આ વાર્તા સાંપ્રદાયિક સદ્ભાવ અને માનવીય મૂલ્યોની થીમને ઉજાગર કરે છે.