19 August, 2026 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલ
સની દેઓલની કરીઅરમાં ઘણા વળાંક આવ્યા છે. ૨૦૨૩માં આવેલી ‘ગદર 2’ની સફળતા પછી તેની સફળતાનો નવો તબક્કો શરૂ થયો છે. આ પહેલાં એવાં અનેક વર્ષો હતાં જ્યારે તેને સારી સ્ક્રિપ્ટ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. પોતાની કરીઅર વિશે વાત કરતાં સનીએ કહ્યું હતું કે ‘‘ગદર’ની સાથે મેં ‘ઇન્ડિયન’ પણ આપી હતી, જે એ સમયની ‘લગાન’ અને બીજી બધી ફિલ્મો કરતાં ઘણી મોટી હિટ હતી. એણે ‘લગાન’ કરતાં બે-ત્રણ ગણો વધુ બિઝનેસ કર્યો હતો. ‘ગદર’એ તો એના કરતાં પણ વધુ કમાણી કરી હતી. અચાનક કૉર્પોરેટ્સ આવ્યા અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનું ફૉર્મેટ બદલાવા લાગ્યું. એ પછી મને ખબર નથી કે યોગ્ય વિષયો અને નિર્માતા-દિગ્દર્શકો મળતા નહોતા. આ પછી મારી ફિલ્મો અને પ્રોડક્શન કંપનીઓ અપેક્ષા મુજબ સફળ રહી નહોતી.’
આ નિષ્ફળ ફિલ્મોને પગલે સનીની આર્થિક મુશ્કેલીઓની જાણકારી ૨૦૨૩માં જાહેરમાં આવી હતી. આ સમયે એક બૅન્કે જુહુ સ્થિત તેની મિલકત ‘સની વિલા’નું ઈ-ઑક્શન માટે કરવા નોટિસ આપી હતી. બાકી રકમ અને વ્યાજ મળીને આ રકમ આશરે ૫૫.૯૯ કરોડ રૂપિયા હતી. જોકે બાદમાં મામલો ઉકેલાઈ જતાં નોટિસ પાછી ખેંચી લેવામાં આવી હતી.
આ આર્થિક કટોકટી વિશે વાત કરતાં સનીએ કહ્યું હતું કે ‘હું પૈસા માટે ઘણી બધી વસ્તુઓ કરી શકતો નથી. સાચું કહું તો હું ખૂબ ખુશ છું. ‘ગદર 2’ની સફળતા પહેલાં મારા પર ૫૬ કરોડ રૂપિયાનું દેવું હતું ત્યારે પણ ખૂબ ખુશ હતો. હું મારું જીવન જીવી રહ્યો હતો. જે પૈસા ચૂકવવાના હતા એ મારા જ હતા. મેં કોઈ પાસેથી ઉધાર લીધા નહોતા. મારે માત્ર મારી પોતાની સંપત્તિ વેચીને પૈસા ચૂકવવાના હતા.’