04 December, 2025 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ધર્મેન્દ્રનાં અસ્થિ-વિસર્જનનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. આ વિડિયોમાં સની દેઓલ ગુપચુપ અસ્થિ-વિસર્જનની વિધિ શૂટ કરી રહેલા એક ફોટોગ્રાફરને ધમકાવતો જોવા મળે છે. શોકની ઘડીમાં આવું વર્તન જોઈને સની સ્પષ્ટ રીતે નારાજ છે. વિડિયોમાં સની ગુસ્સામાં ફોટોગ્રાફર તરફ આગળ વધે છે અને તેનો કૅમેરા ઝૂંટવી લે છે. સની આ કૅમેરા છીનવીને ઊંચા અવાજે પૂછે છે, ‘પૈસા જોઈએ? કેટલા રૂપિયા જોઈએ છે તને?’ અને પછી તેને ધમકાવે છે.
ધર્મેન્દ્રનાં અસ્થિનું હરિદ્વારમાં ગંગામાં પૌત્ર કરણ દેઓલના હસ્તે વિસર્જન
દિવંગત ધર્મેન્દ્રનાં અસ્થિઓનું ગઈ કાલે સવારે હરિદ્વારમાં શ્રવણનાથનગરની એક પ્રાઇવેટ ફાઇવસ્ટાર હોટેલના ઘાટ પર ગંગામાં વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન વખતે તેમના દીકરાઓ સની દેઓલ, બૉબી દેઓલ અને પરિવારના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. ધર્મેન્દ્રનાં અસ્થિઓનું વિસર્જન સની દેઓલના દીકરા કરણ દેઓલે કર્યું હતું. આ વિધિ માટે મંગળવારે સવારે સની અને બૉબી સાથે તેમનો આખો પરિવાર ધર્મેન્દ્રનાં અસ્થિ લઈને હોટેલ પહોંચી ગયો હતો. વિસર્જન પછી પરિવાર તરત જ હોટેલથી ઍરપોર્ટ જવા રવાના થયો હતો અને સમગ્ર આયોજન દરમ્યાન સુરક્ષા-વ્યવસ્થા રાખવામાં આવી હતી.