26 February, 2026 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘યાદવજી કી લવ સ્ટોરી’
ફિલ્મ ‘યાદવજી કી લવ સ્ટોરી’ સામે દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજદારનું કહેવું હતું કે ફિલ્મમાં એક જાતિને ખોટી રીતે દર્શાવવામાં આવી છે. જોકે કોર્ટે અરજદારને જણાવ્યું કે તેમની મુખ્ય આપત્તિ ફિલ્મના શીર્ષકને લઈને છે, પરંતુ ફિલ્મમાં ક્યાંય પણ કોઈ જાતિને ખોટી રીતે રજૂ કરવામાં આવી નથી. કોર્ટે ‘ઘૂસખોર પંડત’ ફિલ્મનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ મામલો એ કેસથી અલગ છે. ‘ઘૂસખોર પંડત’ વાંચીને એવું લાગી રહ્યું હતું કે એક જાતિના લોકોને ભ્રષ્ટ તરીકે બતાવવામાં આવી રહ્યા હતા જ્યારે ‘યાદવજી કી લવ સ્ટોરી’ વાર્તા સંપૂર્ણપણે કલ્પિત છે અને એને લઈને અતિશય વિરોધ કરવો યોગ્ય નથી.
અરજદારે ફિલ્મના શીર્ષક સામે વાંધો ઉઠાવ્યો હતો અને આશંકા વ્યક્ત કરી હતી કે ફિલ્મમાં એક જાતિને નકારાત્મક રીતે બતાવવામાં આવી શકે છે. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર આશંકાના આધારે કોઈ ફિલ્મના ટાઇટલને અસંવિધાનિક ઠરાવી શકાય નહીં.
જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભૂઇયાની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું હતું કે રેકૉર્ડ પર ઉપલબ્ધ સામગ્રીનું અવલોકન કર્યા બાદ તેમને એવું લાગતું નથી કે ફિલ્મનું શીર્ષક યાદવ સમુદાયને ખોટી અથવા અપમાનજનક રીતે રજૂ કરે છે. જસ્ટિસ નાગરત્નાએ વધુમાં જણાવ્યું કે અરજદારની મુખ્ય આપત્તિ ફિલ્મના ટાઇટલ વિશે છે, પરંતુ એમાં ક્યાંય કોઈ જાતિ વિશે
ખોટી રજૂઆત કરવામાં આવી નથી. આ કેસ ‘ઘૂસખોર પંડત’થી અલગ છે, કારણ કે ત્યાં એક જાતિના લોકોને ભ્રષ્ટ બતાવવાનો ઇશારો મળતો હતો.