મેં દીકરી અડૉપ્ટ કરી એટલે મારો મૅનેજર કામ છોડીને ભાગી ગયો

30 May, 2026 02:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુસ્મિતા સેને કહ્યું કે મને એવી ચેતવણી મળી હતી કે નાની વયે માતા બન્યા પછી મને નાના રોલ પણ નહીં મળે, સુસ્મિતાએ તાજેતરમાં ખુલાસો કર્યો કે દીકરીને દત્તક લીધા બાદ તેના મૅનેજરે તેને રિપ્રેઝન્ટ કરવાનું જ બંધ કરી દીધું હતું

મેં દીકરી અડૉપ્ટ કરી એટલે મારો મૅનેજર કામ છોડીને ભાગી ગયો

સુસ્મિતા સેન બે દીકરીઓની સિંગલ મધર છે. ૨૦૦૦માં સુસ્મિતાએ માત્ર ૨૪ વર્ષની વયે મોટી દીકરી રેની સેનને દત્તક લઈને સિંગલ મધર બનવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેના આ નિર્ણયને કારણે તેને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સુસ્મિતાએ તાજેતરમાં ખુલાસો કર્યો કે દીકરીને દત્તક લીધા બાદ તેના મૅનેજરે તેને રિપ્રેઝન્ટ કરવાનું જ બંધ કરી દીધું હતું અને ચેતવણી આપી હતી કે હવે તેને નાના-મોટા રોલ પણ નહીં મળે.
સુસ્મિતાએ ઘટનાક્રમ યાદ કરીને કહ્યું હતું કે ‘દીકરી દત્તક લીધા પછી મને ઇન્ડસ્ટ્રીમાંથી ઘણો વિરોધ સહન કરવો પડ્યો હતો. મારો મૅનેજર મને છોડીને જતો રહ્યો હતો. તેણે કહ્યું હતું કે તું પોતાની કરીઅર અંગે ગંભીર નથી અને હું એવી વ્યક્તિને રિપ્રેઝન્ટ કરી શકતો નથી જે ૨૪ વર્ષની ઉંમરે મા બની ગઈ હોય, હવે તને કૅરૅક્ટર રોલ પણ નહીં મળે. તે ચાલ્યો ગયો અને મને લાગ્યું કે ખરાબ માણસથી છુટકારો મળી ગયો. મને આ વાતથી ખાસ ફરક પડ્યો નહોતો. વિશ્વાસ કરો, મા બન્યા પછી જ મેં મારી સૌથી મોટી હિટ ફિલ્મો આપી હતી. એ સમયે મોટા ભાગનો વિરોધ મહિલાઓ તરફથી જ આવ્યો હતો. જોકે હવે ધીમે-ધીમે પરિસ્થિતિ બદલાઈ રહી છે. મારા નિયમો મારા માટે મહત્ત્વના છે. હું આ બાળકને શ્રેષ્ઠ બાળપણ આપવા માગતી હતી. આ બધું સરળ નહોતું, ઘણી મહેનત લાગી, પરંતુ અંતે બધું સારું થયું.’

sushmita sen entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood