19 September, 2025 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિડની સ્વીની
હૉલીવુડની ઍક્ટ્રેસ સિડની સ્વીનીને બૉલીવુડની એક ફિલ્મમાં કામ કરવા માટે ૫૩૦ કરોડ રૂપિયાની ફી ઑફર કરવામાં આવી હોવાનો રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે એક ભારતીય પ્રોડક્શન કંપનીએ ઍક્ટ્રેસને ૪૫ મિલ્યન પાઉન્ડ એટલે કે ૫૩૦ કરોડ રૂપિયાની મોટી ડીલ ઑફર કરી છે જેમાં ૪૧૫ કરોડ રૂપિયાની ફી અને ૧૧૫ કરોડ રૂપિયાની સ્પૉન્સરશિપ ડીલનો સમાવેશ થાય છે. સિડની સ્વીનીને આ મોટી રકમ આપવા પાછળનો હેતુ તેની ઇન્ટરનૅશનલ ઇમેજનો ફાયદો ઉઠાવવાનો છે. નિર્માતાઓ ફિલ્મને ગ્લોબલ પ્લૅટફૉર્મ પર રજૂ કરવા ઇચ્છે છે. સિડનીને પણ આટલી મોટી ઑફરથી આશ્ચર્ય થયું છે, પણ તેણે હજી સુધી કોઈ જવાબ નથી આપ્યો.
રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મ હશે. ફિલ્મમાં સિડની એક યુવાન અમેરિકન સ્ટારની ભૂમિકા ભજવશે જે એક ભારતીય સેલિબ્રિટીના પ્રેમમાં પડે છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે લંડન, દુબઈ, ન્યુ યૉર્ક અને પૅરિસમાં થશે. જોકે ફિલ્મના ટાઇટલ અંગે હજી સુધી કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.