૧૦૦૦ કરોડ રૂપિયાની ડીલ

14 September, 2021 10:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦થી વધુ ફિલ્મો માટે ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે મિલાવ્યા હાથ

ભૂષણ કુમાર

ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે સાથે મળીને એક હજાર કરોડની ડીલ કરી છે. આ ડીલ હેઠળ બન્ને સાથે મળીને ૧૦થી વધુ ફિલ્મો બનાવશે જેમાં મોટા બજેટની સાથે મધ્યમ અને નાના બજેટની ફિલ્મો હશે. આ બન્ને પ્રોડક્શન હાઉસ વિવિધ પ્રકારની ફિલ્મો, ટૅલન્ટ અને મ્યુઝિક લોકોને પીરસશે. ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે આ અગાઉ ૧૦૦ ફિલ્મો માટે મ્યુઝિકનું માર્કેટિંગ કર્યું હતું. હવે પહેલી વખત એવું બન્યું છે કે તેઓ ફિલ્મો બનાવવાના છે. ફિલ્મો પર હાલમાં કામ ચાલી રહ્યું છે. કેટલીક તામિલની હિન્દી રીમેક, ઍક્શન, થ્રિલર્સ, ઐતિહાસિક બાયોપિક, કોર્ટરૂમ ડ્રામા, કૉમેડી, રોમૅન્સ-ડ્રામા અને કેટલીક વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ફિલ્મો રહેશે. ટી-સિરીઝ હાલમાં ભારતનું સૌથી મોટું મ્યુઝિક લેબલ છે અને સફળ ફિલ્મ પ્રોડક્શન હાઉસ છે. તો બીજી તરફ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અગ્રેસર મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ કંપની છે જેની પાસે ૩૦૦ જેટલી કમર્શિયલ અને ક્રિટિકલી એક્લેમ્ડ ફિલ્મોનો સંગ્રહ છે. છેલ્લાં થોડાં વર્ષોમાં રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે રોહિત શેટ્ટી, ઇમ્તિયાઝ અલી, નીરજ પાન્ડે, વિકાસ બહલ, વિક્રમાદિત્ય મોટવાણી, અનુરાગ કશ્યપ, રિભુ દાસગુપ્તા અને એસ. શ્રીકાંત સાથે મળીને અનેક ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે. હવે આગામી બે-ત્રણ વર્ષોમાં આ બન્ને દિગ્ગજ પ્રોડક્શન હાઉસે અનેક ફિલ્મમેકર્સ સાથે મળીને શાનદાર ફિલ્મો બનાવવાની યોજના હાથ ધરી છે. આ ડીલ વિશે ટી-સિરીઝના ભૂષણ કુમારે કહ્યું હતું કે ‘મ્યુઝિકના માર્કેટિંગ માટે સાથે કામ કર્યા બાદ હવે અમારી જે આ પાર્ટનરશિપ થઈ છે એ યોગ્ય સમયે થઈ છે. એને કારણે અમારી ડીલ વધુ મજબૂત થશે. અમને આશા છે કે અમે અમારા હિન્દી દર્શકોને કંઈક નવી અને અનોખી ફિલ્મો આપીશું.’

તો બીજી તરફ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટના ગ્રુપ સીઈઓ શીબાશિષ સરકારે કહ્યું હતું કે ‘ટી-સિરીઝ સાથેની ભાગીદારીને લઈને ખૂબ આશાન્વિત છીએ. ભૂષણ સાથેની અમારી આ પાર્ટનરશિપ ભારતીય ફિલ્મ જગત માટે એક સારી શરૂઆત રહેવાની છે. અમારી ફિલ્મોના માધ્યમથી અમે અમારા દર્શકોને કેટલીક હટકે ફિલ્મો આપીશું.’

bollywood news entertainment news