27 September, 2026 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાપસી પન્નુ
તાપસી પન્નુએ હાલમાં પોતાની કરીઅરના એવા દિવસોને યાદ કર્યા જ્યારે તેને વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું અને ગળે ન ઊતરે એવાં કારણ આપીને તેને ફિલ્મોમાંથી પડતી મૂકવામાં આવી હતી.
તાપસીએ પોતાની કરીઅરના શરૂઆતના દિવસો વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારી કરીઅરમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે ફિલ્મ માટે મારી તારીખો પહેલેથી નક્કી થઈ ગઈ હતી, પણ પછી મને પ્રોજેક્ટમાંથી હટાવી દેવામાં આવી હતી. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે મને આ નિર્ણય પાછળનું કોઈ સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યું નહોતું. મને માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે ફિલ્મના હીરોની ઇચ્છાને કારણે તેની જગ્યાએ બીજી અભિનેત્રીને લેવામાં આવી છે. આજે પણ મને આ ફિલ્મમાંથી પડતી મૂકવાનું કારણ જાણવા મળ્યું નથી. મને એક ફિલ્મમાંથી હટાવીને કહેવામાં આવ્યું હતું કે ફિલ્મના હીરોની પત્નીને હું પસંદ નહોતી. મને આ સાંભળીને બહુ નવાઈ લાગી હતી. મને આજ સુધી ખબર નથી પડી કે આખરે હીરોની પત્નીને મારી સામે શું વાંધો હતો.’