09 April, 2026 04:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહિનાઓ પછી તબુએ ફૅન્સને દેખાડી આશા ભોસલેએ આપેલી ગિટારની બર્થ-ડે ગિફ્ટ
તબુ ચોથી નવેમ્બરે પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે. તબુના જન્મદિવસને મહિનાઓ થઈ ગયા છે ત્યારે તેણે હાલમાં સોશ્યલ મીડિયામાં તેને જન્મદિવસે આશા ભોસલેએ આપેલી ગિટારની બર્થ-ડે ગિફ્ટની તસવીરો ફૅન્સ સાથે શૅર કરી છે. આ તસવીરમાં તબુ અને આશા ભોસલે વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ જોવા મળે છે.
આ તસવીરની સાથે તબુએ પોતાની લાગણી વ્યક્ત કરતાં લખ્યું છે, ‘મને તમારા જીવનના સૌથી યાદગાર દિવસો વિશે કહો... મને એ ક્ષણો વિશે કહો જેને તમે ક્યારેય ભૂલી નહીં શકો. મને કહો કે શું તમને સૌથી વધુ સ્પર્શે છે... મને તમારી સૌથી પ્રિય વસ્તુઓ વિશે કહો. નવેમ્બરમાં મારો જન્મદિવસ હતો અને એ દિવસે મારા દરવાજા પર આ સુંદર ભેટ આવી, આ ગિટાર... આશાજી તરફથી મળેલી ભેટ. મારા દિલમાં જે આભારની લાગણી છે, એને શબ્દોમાં વ્યક્ત કરવી શક્ય નથી. આશાજી, હું તમને જેટલો પ્રેમ અને માન આપું છું એ શબ્દોમાં કહી શકાતું નથી. તમારાં ગીતો દ્વારા અમે પ્રેમ, તરસ, દુઃખ અને જુસ્સાને અનુભવ્યાં છે. હું આ ભેટને આખી જિંદગી સંભાળી રાખીશ અને આશા રાખું છું કે ખૂબ જ જલદી હું આ ગિટાર પર તમારાં ગીતો વગાડી તમને સંભળાવી શકીશ.’