15 November, 2025 05:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમન્ના ભાટિયાનું વજન કઈ રીતે ઘટી ગયું?
તમન્ના ભાટિયા હાલમાં પોતાના ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશનને કારણે ચર્ચામાં છે. છેલ્લા થોડા મહિનામાં તમન્નાએ સારું એવું વજન ઘટાડ્યું છે. તમન્નાના લુકમાં આવેલા આ ફેરફારથી કેટલાક ફૅન્સ ખુશ છે, તો કેટલીક વ્યક્તિઓએ તેના પર વજન ઘટાડવા માટે ઓઝેમ્પિક જેવી દવા ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. હવે તમન્નાએ એક ઇન્ટરવ્યુમાં પોતાના વજનમાં થતા વધારા અને ઘટાડા વિશે વાત કરી છે.
તમન્નાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું કૅમેરા સામે જ મોટી થઈ છું. હું પંદર વર્ષની ઉંમરથી કૅમેરા સામે છું, એટલે છુપાવાનું કંઈ નથી. મારા વીસના દાયકાના અંત સુધી મારું શરીર સ્વાભાવિક રીતે સ્લિમ હતું પણ પછી વજનમાં આપમેળે વધારો અને ઘટાડો થતો રહે છે. હું લગભગ ૧૦૦ ફિલ્મો કરી ચૂકી છું. લોકો મને અલગ-અલગ ફિલ્મોમાં અલગ રૂપમાં જોઈ ચૂક્યા છે. મને લાગે છે કે મહિલા દર પાંચ વર્ષે પોતાનું સ્વરૂપ જુએ છે. હકીકતમાં બૉડી ઇન્ફ્લેમેશન ખરેખર મોટી સમસ્યા છે. દરેક મહિલા આ ચક્રમાંથી પસાર થાય છે, જ્યાં શરીર બદલાતું રહે છે. હું પણ આમાંથી પસાર થઈ ચૂકી છું. મારી કર્વ્સ ક્યાંય નથી જવાની, કારણ કે હું સિંધી છું અને મારું બૉડી કુદરતી રીતે જ કર્વી છે. મારા હિપ્સ અને કમરમાં બહુ ફેરફાર નથી થવાનો કારણ કે એ જ એનું માળખું છે. મને નથી લાગતું કે હું ક્યારેય ‘ગ્લોબલ બ્યુટી સ્ટાન્ડર્ડ્સ’ પ્રમાણે ચાલું. ભારતીય સૌંદર્ય એ જ આકર્ષણ છે અને હવે સમય આવી ગયો છે કે આપણે એને ગૌરવપૂર્વક સ્વીકારીએ.’