20 July, 2026 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તનિષ્ક બાગચી
‘સૈયારા’ના સંગીતકાર અને ગાયક તનિષ્ક બાગચીએ હાલમાં સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને દાવો કર્યો છે કે ફિલ્મ ‘સૈયારા’ના ટાઇટલ ટ્રૅક માટે તેને હજુ સુધી ૮ લાખ રૂપિયાની રૉયલ્ટી મળી નથી. આ ગીતને જબરદસ્ત લોકપ્રિયતા અને વ્યાવસાયિક સફળતા મળવા છતાં આ રકમ બાકી હોવાની ફરિયાદ કરી છે. જોકે તનિષ્ક બાગચીએ સ્પષ્ટ કર્યું કે છે તેની આ પોસ્ટ સહાનુભૂતિ મેળવવા માટે નથી, પણ ગીત માટે કરેલા પરિશ્રમ અને ત્યાગને લઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે છે.
તનિષ્ક બાગચીએ ફરિયાદ કરી છે કે રૉયલ્ટી સ્ટેટમેન્ટ અનુસાર તેને હજુ પણ ૮ લાખ રૂપિયા મળવાના બાકી છે. પોતાનો મુદ્દો રજૂ કરતાં તનિષ્કે જણાવ્યું હતું કે ‘‘સૈયારા’ મારા માટે યશ રાજ ફિલ્મ્સ સાથેનો પહેલો પ્રોજેક્ટ હતો. મેં આ ફિલ્મ માત્ર એટલા માટે સ્વીકારી હતી કે તેમને મારા સંગીત પર સંપૂર્ણ વિશ્વાસ હતો. જોકે આ માટે પ્રોડક્શન હાઉસ તરફથી મળેલી સંપૂર્ણ ફી ગીતના લાઇવ રેકૉર્ડિંગ અને મિક્સિંગમાં જ ખર્ચાઈ ગઈ હતી અને અંતે મારી પાસે કંઈ જ બચ્યું નહીં. આ ફિલ્મની શરૂઆતની ફીમાંથી મેં હકીકતમાં કોઈ કમાણી કરી જ નથી. હું આ વાત સહાનુભૂતિ મેળવવા માટે નથી લખી રહ્યો. હું જાણું છું કે આ ગીતમાં મેં શું આપ્યું છે અને એને જીવંત બનાવવા માટે કેટલો ત્યાગ કર્યો છે. આ અનુભવથી ઇન્ડસ્ટ્રીને જોવાનો મારો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. હું હવે એવા નિર્માતાઓ તથા ડિરેક્ટરો સાથે જ કામ કરીશ જે સર્જનાત્મકતા, પ્રામાણિકતા અને સંગીત સર્જનારા લોકોના યોગદાનનું સન્માન કરે. સૌથી મોટી શીખ એ રહી છે કે ઘણી વખત લોકો કોઈ પ્રોજેક્ટ માટે પોતાનું સર્વસ્વ આપી દે છે, પરંતુ સફળતા મળ્યા બાદ તેમની સાથે ઊભા રહેવાનું લોકો ભૂલી જાય છે. હું આ ફિલ્મ સાથે જોડાયેલા લોકોમાં માત્ર ગીતકાર ઇર્શાદ કામિલનો અને ડિરેક્ટર મોહિત સૂરિનો જ આદર કરું છું અને બાકીની બાબતો ‘ભગવાન, સમય અને કર્મ’ પર છોડી દીધી છે.’