✕

નાના પાટેકર માટે ઇવિલ ડેડ કહીને વિવાદ ઊભો કર્યો તનુશ્રી દત્તાએ

09 October, 2026 01:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે નાના પાટેકરના અવસાનના સમાચાર મળતાં તનુશ્રી દત્તાએ સોશ્યલ મીડિયા પર વિડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે...

ફિલ્મ ‘હૉર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર તનુશ્રી અને નાના પાટેકર

ભારતમાં #MeToo મૂવમેન્ટ દરમ્યાન નાના પાટેકર પર જાતીય શોષણનો આરોપ લગાવનાર તનુશ્રી દત્તાએ તેમના અવસાનના સમાચાર પર આપેલી પ્રતિક્રિયા ચર્ચાસ્પદ બની છે. તનુશ્રીએ પોસ્ટ કરેલા વિડિયોમાં નાના પાટેકરના મૃત્યુને ‘ઇવિલ ડેડ’ એટલે કોઈ ખરાબ વ્યક્તિના મૃત્યુ જેવું ગણાવીને એક નવો વિવાદ ઊભો કર્યો છે. આ પોસ્ટ જોઈને અનેક લોકોએ તનુશ્રીના આવા વર્તનને વખોડ્યું હતું.

ગઈ કાલે નાના પાટેકરના અવસાનના સમાચાર મળતાં તનુશ્રી દત્તાએ સોશ્યલ મીડિયા પર વિડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘મેં સાંભળ્યું છે, મને સમાચાર મળ્યા છે. આજે મારો કામનો દિવસ છે. હું એક ઇવેન્ટ માટે લખનઉ જઈ રહી છું અને હું એના પર જ ધ્યાન આપવા માગું છું. આ બધું થવા માટે આજનો દિવસ કેટલો વિચિત્ર છે. હું લખનઉમાં એક બહુ મોટી ઇવેન્ટ કરી રહી છું અને આ મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે મેં મારા આખા દિવસનું આયોજન કરી રાખ્યું હતું. હું લાઇવ કરવા માગતી હતી, કન્ટેન્ટ પોસ્ટ કરવા માગતી હતી અને હવે મને ચિંતા થઈ રહી છે કે સાંજે તમામ મીડિયા આ ઇવિલ ડેડમાં રસ લેશે. તેથી, જ્યારે મને સમજાશે કે મારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ, ત્યારે જ હું મારી પ્રતિક્રિયા આપીશ. પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે, પણ...’ 
તનુશ્રીના આટલું કહેતાં જ તેનો વિડિયો અધવચ્ચેથી કટ થઈ ગયો હતો. તનુશ્રીએ પોતાના વિડિયોમાં નાના પાટેકરનું નામ સીધું લીધું નહોતું, પણ તેમના નિધનના સમાચાર સામે આવ્યા એના થોડા સમય બાદ જ તેની આ ટિપ્પણી આવી હતી.

શું છે નાના પાટેકર અને તનુશ્રી દત્તા વચ્ચેનો વિવાદ?

૨૦૧૮માં #MeToo મૂવમેન્ટ દરમ્યાન તનુશ્રીએ નાના પાટેકર પર ફિલ્મના સેટ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે આ ઘટના વર્ષ ૨૦૦૯માં આવેલી ફિલ્મ ‘હૉર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર બની હતી. તનુશ્રીનો દાવો હતો કે તેણે સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ્સ અસોસિએશનમાં નાના પાટેકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. નાના પાટેકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી, જોકે તેમણે તમામ આરોપોનો ઇનકાર કર્યો હતો. ૨૦૧૯માં પૂરતા પુરાવા ન મળવાને કારણે આ કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૨૦૨૫માં મુંબઈની અંધેરી મૅજિસ્ટ્રેટ કોર્ટે નાના પાટેકર વિરુદ્ધની ફોજદારી કાર્યવાહી સત્તાવાર રીતે ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદ કાયદાકીય સમયમર્યાદા પૂરી થયા બાદ નોંધાવવામાં આવી હતી.

nana patekar celebrity death tanushree dutta bollywood controversies entertainment news bollywood bollywood news