05 December, 2025 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ની જાહેરાત
ફિલ્મમેકર રાજીવ રાય ધર્મા પ્રોડક્શન્સથી નારાજ છે, કારણ કે કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની આવનારી રોમૅન્ટિક કૉમેડી ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ની જાહેરાતના પ્રોમોમાં તેમની ૧૯૯૨ની ફિલ્મ ‘વિશ્વાત્મા’ના આઇકૉનિક ગીત ‘સાત સમુંદર’ના શરૂઆતના સંગીતનો થોડોક ભાગ સાંભળવા મળે છે. રાજીવ રાયે જણાવ્યું હતું કે ધર્મા પ્રોડક્શન્સે તેમની મંજૂરી લેવા વગર આ મ્યુઝિકનો ઉપયોગ કર્યો છે અને જો યોગ્ય હક મેળવીને ઉપયોગ નહીં કરવામાં આવે તો તેઓ કાનૂની કાર્યવાહી કરી શકે છે.
એક ઇન્ટરવ્યુમાં રાજીવ રાયે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘ફિલ્મના પ્રોમોમાં મારી ફિલ્મનું મ્યુઝિક સાંભળીને મને ભારે આશ્ચર્ય થયું અને મેં તરત જ મારી લીગલ ટીમને ધર્મા પ્રોડક્શન્સ અને સારેગામા મ્યુઝિક સાથે સંપર્ક સાધવા કહ્યું. આ મામલે કોઈએ મારી પરવાનગી નથી લીધી. જોકે ‘સાત સમુંદર’ની બીટ્સ હવે નવા ટીઝરમાં નથી. જોકે એ ફિલ્મમાં છે કે નહીં એ ખબર નથી, પરંતુ મંજૂરી વગર એનો ઉપયોગ નહીં કરી શકાય. આજકાલ એક ખરાબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જૂનાં ગીતોને ફરી લઈ લે છે અને કહે છે કે મ્યુઝિક-લેબલની પરમિશન લીધી છે.’
આ મામલે રાજીવ રાયે કહ્યું હતું કે ‘મારી ફિલ્મના સંગીતના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ ભલે સારેગામા પાસે હોય, પરંતુ કરારમાં સ્પષ્ટ છે કે મારી રચનાઓને અન્ય ફિલ્મોમાં ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો મ્યુઝિક-લેબલને અધિકાર નથી.’