15 July, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ પોસ્ટર
દિલજિત દોસાંઝની આગામી ફિલ્મ ‘પંજાબ 95’નું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે. આ પોસ્ટરમાં દિલજિત સાવ અલગ જ લુકમાં જોવા મળે છે. દિલજિતે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ પોસ્ટર શૅર કર્યું છે જેમાં તેના હાથ બંધાયેલા છે અને તે લટકતો જોવા મળી રહ્યો છે. ફિલ્મમેકર હની ત્રેહાનની ‘પંજાબ 95’માં દિલજિત માનવાધિકાર કાર્યકર જસવંત સિંહ ખાલરાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૨થી સેન્સર બોર્ડ પાસે અટવાયેલી છે.
આ ફિલ્મમાં સેન્સર બોર્ડે એના સંવેદનશીલ વિષયને કારણે ૧૨૭ કટ્સ સૂચવ્યા હતા. જોકે આ મામલે હજી સુધી કોઈ અપડેટ નથી આવ્યું. આ મામલે ફિલ્મમેકર હની ત્રેહાને દલીલ કરતાં કહ્યું કે જો ૧૨૭ કટ્સ કરવામાં આવે તો ફિલ્મમાં માત્ર ટ્રેલર જ બચશે.
ડિરેક્ટરની દલીલ : પંજાબ વિશેની ફિલ્મના નામમાંથી ‘પંજાબ’ કેવી રીતે હટાવી શકાય?
સેન્સર બોર્ડના કટ્સ વિશે ફિલ્મમેકર હની ત્રેહાને પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે ‘અમને ફિલ્મના ટાઇટલમાંથી ‘પંજાબ’ શબ્દ હટાવવાનું કહેવામાં આવ્યું છે. હવે જ્યારે ફિલ્મ જ પંજાબ પર આધારિત છે તો કોઈ એને કેમ હટાવે. એમાં પાઘડી પહેરેલા પોલીસવાળા છે. તેમને પંજાબ પોલીસ નહીં, પોલીસ કહેવાનું કહેવામાં આવ્યું છે. અમને ફિલ્મમાં ઇન્દિરા ગાંધીનું નામ ન લેવા માટે કહેવાયું છે તો પછી હું તેમને શું કહું? તેમના આખા જીવન પર ‘ઇમર્જન્સી’ નામની ફિલ્મ બની છે અને હું ફિલ્મમાં તેમનું નામ પણ ન લઈ શકું? આટલો ભેદભાવ કેમ?’