ધ કેરલા સ્ટોરી 2: ગોઝ બિયૉન્ડની રિલીઝ પર લાગેલો સ્ટે હટી ગયો

28 February, 2026 02:22 PM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

ફિલ્મનાં ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદથી જ વિવાદ શરૂ થયો હતો. મામલો અદાલતમાં પહોંચતાં ૨૭ ફેબ્રુઆરીની રિલીઝ અટકી ગઈ હતી

ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી 2: ગોઝ બિયૉન્ડ’

વિપુલ અમૃતલાલ શાહના બૅનર હેઠળ બનેલી વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી 2 ઃ ગોઝ બિયૉન્ડ’ની રિલીઝ પર લાગેલી રોક હવે હટાવી દેવામાં આવી છે. આ ફિલ્મ પર ગુરુવારે કેરલા હાઈ કોર્ટની સિંગલ બેન્ચે ફિલ્મ પર ૧૫ દિવસનો સ્ટે મૂક્યો હતો, પણ ગઈ કાલે ડિવિઝન બેન્ચે આ નિર્ણયને પલટી નાખ્યો છે. જસ્ટિસ એસ. એ. ધર્માધિકારી અને પી. વી. બાલક્રિષ્ણનની ડિવિઝન બેન્ચે જસ્ટિસ બેચુ કુરિયન થૉમસના ફિલ્મના રિલીઝ પર ૧૫ દિવસ માટે પ્રતિબંધના વચગાળાના આદેશ પર રોક લગાવી છે. 

હકીકતમાં ‘ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ’ ૨૭ ફેબ્રુઆરીએ જ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. એક દિવસ પહેલાં જ કેરલાની સિંગલ બેન્ચે નોંધ્યું હતું કે ફિલ્મનું કન્ટેન્ટ પ્રથમ નજરે ‘સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાની’ ક્ષમતા ધરાવે છે. આ મામલે અદાલતે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને પણ ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે ફિલ્મને પ્રમાણપત્ર આપતી વખતે નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. કોર્ટે CBFCને ફિલ્મનું પુનઃ સમીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફિલ્મને CBFC તરફથી U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, જેને યાચિકાકર્તાએ રદ કરવાની ડિમાન્ડ પણ કરી હતી. 

ફિલ્મનાં ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદથી જ વિવાદ શરૂ થયો હતો. મામલો અદાલતમાં પહોંચતાં ૨૭ ફેબ્રુઆરીની રિલીઝ અટકી ગઈ હતી. ફિલ્મ પર ‘પ્રૉપગૅન્ડા ફિલ્મ’ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને ફિલ્મની રિલીઝ અને જાહેર પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાની ડિમાન્ડ કરવામાં આવી હતી. હાઈ કોર્ટ ફિલ્મને રિલીઝ પહેલાં જોવાની ઇચ્છા ધરાવતી હતી, પરંતુ નિર્માતાઓએ ફિલ્મ દર્શાવવા માટે સંમતિ આપી નહોતી. ત્યાર બાદ અદાલતે ટિપ્પણી કરી હતી કે ફિલ્મ રાજ્યને નકારાત્મક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરતી હોય એવું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે.

the kerala story bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news