ફિલ્મ જંક્શન: આજે મોટા પડદા પર આવી રહી છે આ ફિલ્મો

12 June, 2026 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત ભાગ્ય વિધાતા, ગવર્નર આજે થઈ રહી ચે રિલીઝ

ડિરેક્ટર મનોજ તાપડિયાની ‘ભારત ભાગ્ય વિધાતા’માં કંગના રનૌત

ભારત ભાગ્ય વિધાતા (હિન્દી)

આ ફિલ્મ સામાન્ય હૉસ્પિટલ સ્ટાફ અને નર્સોની વાસ્તવિક બહાદુરીની વાર્તા છે. ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલા દરમ્યાન કામા હૉસ્પિટલમાં ફરજ બજાવતી બહાદુર નર્સ અંજલિ કુલથેની સત્ય ઘટના પરથી પ્રેરણા લઈને આ ફિલ્મ બનાવવામાં આવી છે. ગર્ભવતી મહિલાઓ અને દરદીઓના જીવ બચાવવા માટે તેમણે દાખવેલી બહાદુરી અને દેશસેવાની કથા ફિલ્મમાં જોવા મળશે. ડિરેક્ટર મનોજ તાપડિયાની ‘ભારત ભાગ્ય વિધાતા’માં કંગના રનૌત, ગિરિજા ઓક, સ્મિતા તાંબે, આશા શેલાર, પ્રિયા બેર્ડે અને ઈશા ડે મહત્ત્વના રોલમાં જોવા મળશે.

હૉન્ટેડ ૩D : એકોઝ ઑફ ધ પાસ્ટ (હિન્દી)

આ ફિલ્મની વાર્તા એક એવી વ્યક્તિની આસપાસ ફરે છે જે પોતાના ભૂતકાળથી બચવા માટે ભારતના એક દૂરના પહાડી વિસ્તારમાં આવેલા આલીશાન મૅન્શનમાં આશરો લે છે. ત્યાં ગયા પછી તેને ખબર પડે છે કે તે ઘરની અંદર કેટલાંય ભયાનક રહસ્યો, દર્દ અને અદૃશ્ય શક્તિઓ છુપાયેલી છે જે તેને હેરાન કરવા માટે તેની રાહ જોઈ રહી હતી. ફિલ્મમાં હૉરરની સાથે એક ઇમોશનલ લવસ્ટોરી પણ વણી લેવામાં આવી છે.  ડિરેક્ટર વિક્રમ ભટ્ટની આ ફિલ્મમાં મિમોહ ચક્રવર્તી અને ચેતના પાંડે લીડ રોલમાં જોવા મળશે. ‘હૉન્ટેડ ૩D : એકોઝ ઑફ ધ પાસ્ટ’ હિન્દીની સાથે-સાથે તામિલ અને તેલુગુમાં પણ રિલીજ થશે.

મૈં વાપસ આઉંગા (હિન્દી)

ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મ ૧૯૪૭ના ભારતના ભાગલાની પૃષ્ઠભૂમિ પર આધારિત એક હૃદયસ્પર્શી અને ઇમોશનલ મ્યુઝિકલ લવસ્ટોરી છે. વાર્તામાં એક વૃદ્ધ વ્યક્તિ (નસીરુદ્દીન શાહ) દાયકાઓ પહેલાં ભાગલા સમયના સ્થળાંતર દરમ્યાન અધૂરી રહી ગયેલી પ્રેમકહાની અને પોતાના વતનની યાદોને વાગોળે છે. આ ફિલ્મ પ્રેમ, વિરહ, ઘર પ્રત્યેનો લગાવ અને સમય સાથે બદલાતા સંબંધોની લાગણીસભર સફર દર્શાવે છે. ‘મૈં વાપસ આઉંગા’માં દિલજિત દોસાંઝ, શર્વરી, વેદાંગ રૈના, નસીરુદ્દીન શાહ અને દાનિશ પંડોર કામ કરી રહ્યાં છે. 

ગવર્નર (હિન્દી)

આ પૉલિટિકલ ડ્રામા ૧૯૯૦ના દાયકામાં ભારતમાં સર્જાયેલી ભયાનક આર્થિક કટોકટી પર આધારિત છે. એ સમયે ભારત પાસે વિદેશી હૂંડિયામણ તળિયે પહોંચી ગયું હતું અને દેશ નાદાર થવાના આરે હતો. આ કપરા સમયમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના તત્કાલીન ગવર્નર એસ. વેન્કટરામને દેશને આર્થિક પતનથી બચાવવા માટે ૬૦ ટનથી વધુ સોનું વિદેશ મોકલીને લોન મેળવવાનું ગુપ્ત મિશન હાથ ધર્યું હતું. ‘ગવર્નર’ તેમની સાહસિકતાની વાર્તા છે. ડિરેક્ટર ચિન્મય ડી. માંડલેકરની આ ફિલ્મમાં મનોજ બાજપેયી અને અદા શર્મા લીડ રોલમાં જોવા મળશે. 

હીર સારા (હિન્દી)

આ ફિલ્મ ઇન્દોરની બે યુવતીઓ હીર અને સારાની આસપાસ ફરે છે. એક પોતાની ખોવાયેલી માતાની શોધમાં છે, જ્યારે બીજી એક અણધાર્યાં લગ્નની હકીકત જાણવા ઇચ્છે છે. આ બન્ને પૉન્ડિચેરી જવા માટે મોટરસાઇકલ પર એક પ્રવાસ શરૂ કરે છે. આ પ્રવાસ દરમ્યાન આવતી મુશ્કેલીઓ, હાસ્ય અને અજાણ્યા લોકો સાથેની મુલાકાત તેમની જિંદગી અને સંબંધોને સંપૂર્ણપણે બદલી નાખે છે. ડિરેક્ટર કાર્તિક ચૌધરીની આ ફિલ્મ મહિલા સશક્તીકરણ, આઝાદી અને ઇકો-ફ્રેન્ડ્લી લાઇફસ્ટાઇલનો સુંદર સંદેશ આપે છે. ‘હીર સારા’માં પત્રલેખા અને માનવી ગાગરૂ સાથે શ્વેતા સાળવે અને આરિફ ઝકરિયા ઍક્ટિંગ કરી રહ્યાં છે.

ધ નર્મદા સ્ટોરી (હિન્દી)

આ ફિલ્મની વાર્તા મધ્યપ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં રહેતી એક આદિવાસી મહિલાની આસપાસ ફરે છે. તે શક્તિશાળી ગુનેગારો સામે પોતાની દીકરીનું રક્ષણ કરવા માટે હિંમતભેર લડત આપે છે. આ મુશ્કેલ લડાઈમાં તેને ત્યાં નવી નિયુક્ત થયેલી એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરનો સાથ મળે છે. બન્ને મળીને સિસ્ટમમાં રહેલા ભ્રષ્ટાચાર, ડર અને કાયદાથી ઉપર મનાતા ગુનેગારોનો સામનો કરે છે. આ ફિલ્મ મહિલાઓના આત્મસન્માન અને ન્યાય માટેના સંઘર્ષની વાર્તા છે. ‘ધ નર્મદા સ્ટોરી’માં રઘુવીર યાદવ, મુકેશ તિવારી, અશ્વિની કળશેકર, અંજલિ પાટિલ અને ઝરીના વહાબ જેવાં કલાકારો કામ કરી રહ્યાં છે.

બધું ALRIGHT છે (ગુજરાતી)

આ એક ધમાકેદાર ફૅમિલી કૉમેડી અને ડ્રામા ફિલ્મ છે. વાર્તા એક એવા પરિવારની આસપાસ ફરે છે જે રોજબરોજની મુશ્કેલીઓ, ગેરસમજો અને અણધારી આફતોમાં ફસાઈ જાય છે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ થાય છતાં આખો પરિવાર એક જ વાત મનાવવાનો પ્રયત્ન કરે છે કે ‘બાકી બધું ઑલરાઇટ છે’. ડિરેક્ટર ઉમંગ વ્યાસની ‘બધું ALRIGHT છે’માં વિરાજ ઘેલાણી, જાહ્‌નવી ગુરનાની, મેહુલ બુચ, દીપ વૈદ્ય, શરદ વ્યાસ, પ્રેમ ગઢવી, કૌશલ પંડિત અને વિનીતા જોશી જેવાં કલાકારો કામ કરી રહ્યાં છે. 

upcoming movie entertainment news bollywood bollywood news