ટોટલ ટાઇમપાસ : મનોરંજન જગતના મહત્વના સમાચાર એક જ ક્લિકમાં વાંચો અહીં

28 October, 2025 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એન્ટરટેઈનમેન્ટ જગતના મહત્વના સમાચાર અહીં વાંચી શકો છો

પ્રતીકાત્મક તસવીર

તામિલ સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મમાં રવીનાની એન્ટ્રી

સાઉથના સુપરસ્ટાર સૂર્યાની આગામી ફિલ્મ ‘સૂર્યા 46’માં રવીના ટંડનની એન્ટ્રી થઈ છે. આ વાતની સત્તાવાર માહિતી આપતાં મેકર્સે રવીનાનું સ્વાગત કર્યું છે અને તેને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. રવિવારે રવીનાનો જન્મદિવસ હતો ત્યારે ફિલ્મના મેકર્સ તરફથી સોશ્યલ મીડિયા પર રવીનાને જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી તેમ જ ફિલ્મમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું. મેકર્સે રવીનાની એક તસવીર સાથે ‘હૅપી બર્થ-ડે’ લખેલું એક પોસ્ટર શૅર કર્યું અને કૅપ્શન લખી કે ‘ટીમ ‘સૂર્યા 46’ તરફથી સદાબહાર રવીના ટંડનને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ટીમમાં તમને મળીને ખૂબ ખુશી થઈ અને આગામી શાનદાર સફરની રાહ જોઈ રહ્યા છીએ.’

આવતા વર્ષની છઠ્ઠી ફેબ્રુઆરીએ રિલીઝ થશે વધ 2

સંજય મિશ્રા અને નીના ગુપ્તાને લીડ રોલમાં ચમકાવતી ૨૦૨૨માં રિલીઝ થયેલી ‘વધ’ દર્શકોને પસંદ પડી હતી અને એટલે જ ‘વધ 2’ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ ફિલ્મમાં સંજય મિશ્રા અને નીના ગુપ્તા એક વખત ફરી લીડ રોલમાં દેખાશે અને એને આવતા વર્ષની છઠ્ઠી ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે ‘વધ 2’ની સ્ટોરી ‘વધ’ની વિચારધારાને જ આગળ વધારશે.

શંકર મહાદેવને ખરીદી ૭૦ લાખની લક્ઝરી ઇલેક્ટ્રિક કાર

જાણીતા સિંગર અને મ્યુઝિશ્યન શંકર મહાદેવને તાજેતરમાં એક નવી લક્ઝરી ઇલેક્ટ્રિક કાર MG M9 EV ખરીદી છે. મળતી માહિતી પ્રમાણે આ કારની કિંમત એક્સ-શોરૂમ ૬૯.૯૦ લાખ રૂપિયા છે અને ટૅક્સ તેમ જ ઇન્શ્યૉરન્સ સાથે એની ઑન-રોડ કિંમત ૭૮થી ૮૨ લાખ રૂપિયા જેટલી થાય છે. આ કાર ૨૦ જુલાઈએ લૉન્ચ થઈ હતી અને એની ડિલિવરી ૧૦ ઑગસ્ટથી શરૂ થઈ હતી. શંકર મહાદેવનને તાજેતરમાં તેની આ લક્ઝરી કારની ડિલિવરી મળી હતી અને તેણે પરિવાર સાથે પૂજા કરીને એની ઉજવણી કરી હતી.

પૈચાન કૌન?

આર. માધવન હાલમાં તેની આગામી ફિલ્મ ‘G.D.N.’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ‘ભારતના એડિસન’ ગણાતા જી. ડી. નાયડુની બાયોપિક છે. હાલમાં આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે જેમાં માધવને પોતાના લુકના જબરદસ્ત ટ્રાન્સફૉર્મેશનથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મ તામિલ, તેલુગુ, હિન્દી, કન્નડા અને મલયાલમમાં રિલીઝ થશે.

મિર્ઝાપુર : ધ ફિલ્મમાં સોનલ ચૌહાણની એન્ટ્રી

‘જન્નત’માં કામ કરીને લોકપ્રિયતા મેળવાર ઍક્ટ્રેસ સોનલ ચૌહાણની ‘મિર્ઝાપુર ઃ ધ ફિલ્મ’માં એન્ટ્રી થઈ છે અને આ વાતની પ્રોડક્શન-હાઉસે સત્તાવાર જાહેરાત કરી છે. ‘મિર્ઝાપુર : ધ ફિલ્મ’નું શૂટિંગ વારાણસીમાં શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં અલી ફઝલ એક બૉડી-બિલ્ડર તરીકે દેખાશે અને એ માટે તેણે ઇન્ટેન્સ ટ્રેઇનિંગ પણ લીધી છે. આ ફિલ્મ ૨૦૨૬માં રિલીઝ થશે. ‘મિર્ઝાપુર’ સિરીઝનું શૂટિંગ મુખ્યત્વે મિર્ઝાપુર, જૌનપુર, આઝમગઢ, ગાઝીપુર, લખનઉ, રાયબરેલી, ગોરખપુર અને વારાણસી જેવાં શહેરોમાં થયું હતું અને ફિલ્મનું શૂટિંગ પણ આ જગ્યાઓએ કરવામાં આવશે.

bollywood buzz bollywood news bollywood entertainment news raveena tandon neena gupta upcoming movie shankar mahadevan r madhavan sonal chauhan