10 December, 2025 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રમ ભટ્ટ અને તેની પત્ની
ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ અને તેની પત્ની શ્વેતામ્બરી ભટ્ટને ૭ દિવસના પોલીસ-રિમાન્ડ પર મોકલવામાં આવ્યાં છે. ગઈ કાલે ઉદયપુરની એક સ્થાનિક અદાલતે ૩૦ કરોડ રૂપિયાથી વધુની કથિત ઠગાઈના કેસમાં બન્નેને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. આ બન્નેની ગયા રવિવારે મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સોમવારે રાતે તેમને ઉદયપુર લઈ જવાયાં હતાં અને મંગળવારે બપોરે ઍડિશનલ ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.
અદાલતની કાર્યવાહી બાદ પ્રોસિક્યુશનના વકીલે જણાવ્યું હતું કે પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે મુંબઈની વિક્રમ ભટ્ટની ઑફિસમાંથી બિલ, અન્ય દસ્તાવેજો અને કેટલાંક ઇલેક્ટ્રૉનિક ઉપકરણો જપ્ત કરવાં જરૂરી છે. એ દલીલના આધારે પોલીસે કસ્ટડીની માગણી કરી હતી. કોર્ટે આ દલીલ માનીને બન્નેને ૭ દિવસના પોલીસ-રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો હતો. હવે તેમને ૧૬ ડિસેમ્બરે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.