✕

માત્ર અઢી કરોડ રૂપિયાના બજેટમાં બનેલી પાયર પણ ઑસ્કરની રેસમાં

14 November, 2026 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍકૅડેમી અવૉર્ડ્‍સ માટે સ્વતંત્ર સબમિશન મારફત આગળ વધવાનો અમારો નિર્ણય આ જ વિચારનો એક ભાગ છે. આ માત્ર અમારી ફિલ્મની સફર નથી, પણ એવા અનેક સ્વતંત્ર ફિલ્મમેકરોની પણ સફર છે જેઓ તમામ મુશ્કેલીઓ છતાં પોતાની વાર્તાઓ લોકો સુધી પહોંચાડતા રહે છે.’

વિનોદ કાપડીની પાયરનું પોસ્ટર

રણબીર કપૂરની ‘રામાયણ’ બાદ હવે ફિલ્મમેકર વિનોદ કાપડીની ફિલ્મ ‘પાયર’ પણ ઑસ્કરની રેસમાં સામેલ થઈ છે. માત્ર અઢી કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મને ૯૯મા ઍકૅડેમી અવૉર્ડ્‍સ એટલે કે ઑસ્કર ૨૦૨૭ માટે સ્વતંત્ર સબમિશન મારફત મોકલવામાં આવી છે. આ મામલે વિનોદ કાપડીનું માનવું છે કે સ્વતંત્ર ફિલ્મોને પણ મોટા મંચ પર પોતાની પ્રતિભા દર્શાવવાની અને સ્પર્ધા કરવાની તક મળવી જોઈએ.

ફિલ્મને ઑસ્કર માટે મોકલવાના નિર્ણય વિશે વાત કરતાં વિનોદ કાપડીએ કહ્યું હતું કે ‘મારું આ પગલું માત્ર મારી ફિલ્મને આગળ વધારવા માટે નથી, એવા તમામ સ્વતંત્ર ફિલ્મમેકર્સ માટે પણ છે જેઓ મર્યાદિત બજેટ અને અનેક પડકારો વચ્ચે સારી વાર્તાઓ બનાવવામાં વ્યસ્ત રહે છે. ‘પાયર’ને ઑસ્કરમાં સ્વતંત્ર સબમિશન મારફત મોકલવાનો નિર્ણય એક ખાસ વિચાર સાથે લેવામાં આવ્યો છે. અમારું માનવું છે કે સ્વતંત્ર સિનેમાને પણ પોતાની ક્ષમતાના આધારે સ્પર્ધા કરવાની તક મળવી જોઈએ. ઍકૅડેમી અવૉર્ડ્‍સ માટે સ્વતંત્ર સબમિશન મારફત આગળ વધવાનો અમારો નિર્ણય આ જ વિચારનો એક ભાગ છે. આ માત્ર અમારી ફિલ્મની સફર નથી, પણ એવા અનેક સ્વતંત્ર ફિલ્મમેકરોની પણ સફર છે જેઓ તમામ મુશ્કેલીઓ છતાં પોતાની વાર્તાઓ લોકો સુધી પહોંચાડતા રહે છે.’

શું છે પાયરની વાર્તા?

ડિરેક્ટર વિનોદ કાપડીની ફિલ્મ ‘પાયર’ ઉત્તરાખંડના હિમાલય વિસ્તારમાં આવેલાં ખાલી થતાં ગામડાંઓ અને ત્યાંથી થઈ રહેલાં સ્થળાંતરની પૃષ્ઠભૂમિ પર વૃદ્ધ દંપતીના એકલવાયા જીવનની સંવેદનશીલ કહાની રજૂ કરે છે. ફિલ્મની વાર્તા ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારના એક દુર્ગમ પહાડી ગામમાં રહેતા ૮૦ વર્ષના પદમસિંહ (બુબુ) અને તેમની પત્ની તુલસી (આમા)ની આસપાસ ફરે છે. રોજગારીની શોધમાં ગામના લગભગ તમામ લોકો શહેરોમાં સ્થળાંતર કરી ગયા હોવાથી આખું ગામ સૂમસામ થઈ ગયું છે. આ દંપતીનો એકમાત્ર દીકરો હરિયા પણ લગભગ ૨૮થી ૩૦ વર્ષ પહેલાં કામની શોધમાં મુંબઈ ગયો હતો. ત્યારથી વૃદ્ધ માતા-પિતા વર્ષોથી તેના પાછા ફરવાની અથવા તેના કોઈ સમાચાર મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

ઉંમર વધવાની સાથે તુલસીની તબિયત લથડતી જાય છે. બીજી તરફ પદમસિંહને એક ચિંતા સતત સતાવે છે કે ગામમાં હવે કોઈ યુવાન કે પડોશી બચ્યા નથી તો તેમનાં મૃત્યુ પછી તેમને કાંધ કોણ આપશે અને તેમના અંતિમ સંસ્કાર કોણ કરશે? જીવન પ્રત્યેની આશા છોડી ચૂકેલા આ દંપતીના સૂના જીવનમાં એક દિવસ અચાનક દીકરાનો પત્ર આવે છે. આ પત્ર તેમના જીવનમાં ફરી એકવાર આશાનું કિરણ જગાડે છે. સત્ય ઘટના પરથી પ્રેરિત આ ફિલ્મે આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પુરસ્કારો પણ જીત્યા છે.

oscars oscar award upcoming movie indian cinema indian films ramayan ranbir kapoor uttarakhand entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood