03 December, 2025 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિષબ શેટ્ટી અને રણવીર સિંહની IFFI દરમિયાનની ફાઇલ તસવીર
રિષબ શેટ્ટીની ‘કાંતારા : ચૅપ્ટર 1’ આ વર્ષે રિલીઝ થઈ હતી. એ ૨૦૨૨ની સુપરહિટ ‘કાંતારા’ની પ્રીક્વલ છે. ફિલ્મના ક્લાઇમૅક્સ સીનમાં રિષબના શરીરમાં ‘ચામુંડાદેવી’ પ્રવેશ કરે છે અને આ સીનમાં તેણે જબરદસ્ત ઍક્ટિંગ કરી છે. તાજેતરમાં ગોવામાં યોજાયેલા ૫૬મા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના સમાપન સમારોહમાં રણવીર સિંહે સ્ટેજ પર રિષબની ઍક્ટિંગની જાણે મજાક ઉડાડતો હોય એમ તેની ઍક્ટિંગની નકલ કરી તેમ જ ‘કાંતારા : ચૅપ્ટર 1’નાં દેવીમાતાને ‘ફીમેલ ઘોસ્ટ’ ગણાવ્યાં હતાં. એ પછી જ્યારે રણવીર સ્ટેજ પરથી નીચે આવીને રિષબની નજીક જાય છે ત્યારે પણ તે એ જ રીતે નકલ કરવાનું ચાલુ રાખે છે. રિષબ આ મામલે રણવીરને વારંવાર રોકે છે, પરંતુ રણવીર તેની વાતને અવગણે છે.
આ મામલે રણવીર સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાના રિપોર્ટ પછી મામલાનો વિવાદ વધ્યો છે ત્યારે રિષબ આવું ન કરવા માટે રણવીરને રોકતો હોય એવો વિડિયો પણ વાઇરલ બન્યો છે અને આ વાત જણાવે છે કે રણવીરને રિષબની વાત ન માનવાનું બહુ ભારે પડ્યું છે.
રણવીરે સોશ્યલ મીડિયા પર નિવેદન આપીને કહ્યું કે... મેં કોઈની ભાવનાઓને આઘાત પહોંચાડ્યો હોય તો હું દિલથી માફી માગું છું
રણવીર સિંહે હાલમાં ગોવામાં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં હાજરી આપી હતી. અહીં તેણે સ્ટેજ પર રિષબ શેટ્ટીની ‘કાંતારા : ચૅપ્ટર 1’નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ફિલ્મમાં જ્યારે તેની અંદર ‘ફીમેલ ઘોસ્ટ’ આવે છે ત્યારે તેની ઍક્ટિંગ જબરદસ્ત છે. આમ રણવીરે વાત-વાતમાં ‘કાંતારા : ચૅપ્ટર 1’નાં દેવીમાતાને ‘ફીમેલ ઘોસ્ટ’ ગણાવતાં મોટો વિવાદ થયો છે. રણવીરના આ નિવેદન વિરુદ્ધ હિન્દુ જનજાગૃતિ સમિતિએ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. સમિતિએ આરોપ મૂક્યો હતો કે રણવીરે ચામુંડાદેવીને ‘ફીમેલ ઘોસ્ટ’ ગણાવીને તેમનું અપમાન કર્યું છે. હવે આ વિવાદ વધતાં રણવીરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ લખીને પોતાના નિવેદન બદલ માફી માગી છે.
રણવીરે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું છે કે ‘મારો ઇરાદો ફિલ્મમાં રિષબના જબરદસ્ત પર્ફોર્મન્સને હાઇલાઇટ કરવાનો હતો. દરેક અભિનેતા જાણે છે કે તે સીન તેણે જે રીતે કર્યો છે એ રીતે કરવામાં કેટલો સમય અને મહેનત લાગે અને હું તેની ખૂબ પ્રશંસા કરું છું. મેં હંમેશાં મારા દેશની દરેક સંસ્કૃતિ, પરંપરા અને માન્યતાઓનું સન્માન કર્યું છે. જો મેં કોઈની ભાવનાઓને આઘાત પહોંચાડ્યો હોય તો હું દિલથી માફી માગું છું.’