14 May, 2025 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિવેક અગ્નિહોત્રી
વિવેક અગ્નિહોત્રીની ગણતરી એવા ફિલ્મમેકર તરીકે થાય છે જે કોઈ પણ શબ્દો ચોર્યા વિના સ્પષ્ટ શબ્દોમાં પોતાના મનની વાત કહે છે. જોકે હાલમાં તેઓ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. ‘ધ કશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ વૅક્સિન વૉર’ જેવી ફિલ્મોનું ડિરેક્શન કરનાર વિવેક અગ્નિહોત્રીએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં બૉલીવુડની પોલ ખોલી નાખી છે. તેમણે આ ઇન્ટરવ્યુમાં રણબીર કપૂરનો પણ ઉલ્લેખ કર્યો છે.
વિવેક અગ્નિહોત્રીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘હું હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીથી કંટાળી ગયો છું. અહીં પ્રોડ્યુસર-ડિરેક્ટર જે સ્ટાર્સની પીઠ પાછળ બૂરાઈ કરે છે તેમની સાથે જ કામ કરે છે.’
વિવેક અગ્નિહોત્રીને જ્યારે ‘ઍનિમલ’ ફિલ્મની વાર્તા સાથે જોડાયેલા વિવાદ તેમ જ એની થયેલી આકરી ટીકા વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે ‘આ ફિલ્મ અને એના ડિરેક્ટર સંદીપ વાંગાની આકરી ટીકા થઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કોઈની પાસે એટલી હિંમત નથી કે તેઓ લીડ ઍક્ટર રણબીર કપૂરની જાહેરમાં ટીકા કરી શકે. આનો અર્થ એ છે કે રણબીર ખૂબ જ શક્તિશાળી છે. હકીકતમાં આ લોકોમાં ઔકાત જ નથી. હિંમત હોય તો રણબીરની જાહેરમાં ટીકા કરી બતાવો. બૉલીવુડમાં એક પણ ડિરેક્ટર કે પ્રોડ્યુસર એવો નથી જે આ સ્ટાર્સની બૂરાઈ નથી કરતો, પણ શું તેમનામાં જાહેરમાં કંઈ પણ બોલવાની હિંમત છે? તેમનામાં નથી અને એટલે તેમણે નબળી અને સડેલી ઍક્ટિંગ માટે ૧૫૦ કરોડ રૂપિયા ફી આપવી પડે છે. તેમણે પોતાનું નસીબ સ્ટાર્સ સાથે જોડી દીધું છે અને આ જ કારણ છે કે મેં બૉલીવુડ છોડી દીધું છે.’