06 February, 2026 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિવેક ઑબેરૉય
વિવેક ઑબેરૉયે પોતાના પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં વિવેકે કોર્ટને વિનંતી કરી છે કે મારી મંજૂરી વિના કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા મારું નામ, અવાજ, ફોટો કે મારી ઓળખ સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરી શકે એના નિર્દેશ આપે.
પોતાની અરજીમાં વિવેક ઑબેરૉયે જણાવ્યું હતું કે ‘કેટલાક લોકો મારી ઓળખનો ઉપયોગ કરીને મારી મંજૂરી વિના વસ્તુઓ વેચી રહ્યા છે. એ ઉપરાંત અનેક જગ્યાએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ડીપફેક ટેક્નૉલૉજી દ્વારા મારી તસવીરોને ખોટી અને અયોગ્ય રીતે રજૂ કરવામાં આવી રહી છે જે મારી જાહેર છબિને નુકસાન પહોંચાડે છે.’
વિવેકે કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર પોસ્ટકાર્ડ, પોસ્ટર, વિડિયો અને પોસ્ટ્સ મારફત મારી છબિ ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે. આમાંથી કેટલીક કન્ટેન્ટ માત્ર ભ્રામક જ નથી, અપમાનજનક અને માનહાનિકારક પણ છે. અનેક કેસમાં મારી લોકપ્રિયતા અને ઓળખનો ખોટો લાભ લઈને વ્યાવસાયિક લાભ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.’
અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ કલાકાર અથવા જાહેર વ્યક્તિનાં નામ, છબિ અને ઓળખ પર પહેલો અધિકાર એ વ્યક્તિનો જ હોય છે, તેની સંમતિ વિના કોઈ પણ પ્રકારનો વ્યાવસાયિક ઉપયોગ કાયદેસર નથી, આવું કરવાથી વ્યક્તિની પ્રતિષ્ઠા અને માર્કેટ-વૅલ્યુ બન્નેને નુકસાન થાય છે.