19 September, 2026 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વહીદા રહમાન બનશે ગાંધીજીનાં માતા પુતળીબાઈ
ફિલ્મમેકર અનુભવ સિન્હા અને સુધીર મિશ્રા પોતાની આગામી ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં સિનિયર ઍક્ટ્રેસ વહીદા રહેમાનની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મ મહાત્મા ગાંધીના જીવનના ખૂબ ઓછા જાણીતા એવા ૨૧ દિવસના સમયગાળા પર આધારિત છે. ફિલ્મમાં નૅશનલ અવૉર્ડ વિજેતા અભિનેતા મનોજ બાજપેયી મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી રહ્યા છે અને વહીદા રહમાન ફિલ્મમાં મહાત્મા ગાંધીનાં માતા પુતળીબાઈની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મના ડિરેક્ટર સુધીર મિશ્રાએ વહીદા રહમાનના આ પ્રોજેક્ટ સાથે જોડાવા વિશે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મને એ કહેતાં ખૂબ ખુશી થઈ રહી છે કે વહીદાજી આ પ્રોજેક્ટનો ભાગ બનવા જઈ રહ્યાં છે. ‘પ્યાસા’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘કાગઝ કે ફૂલ’ અને ‘ગાઇડ’ જેવી ફિલ્મો સાથે મારો ખૂબ ઊંડો અને અંગત સંબંધ છે. આ ફિલ્મો જોતાં-જોતાં હું મોટો થયો છું અને મોટા ભાગની ફિલ્મો મેં મોટા પડદા પર જોઈ છે. આ ફિલ્મોએ મારા દિલ અને વિચાર પર એવી છાપ છોડી છે જેને હું શબ્દોમાં સંપૂર્ણ રીતે વ્યક્ત કરી શકતો નથી. મને હજુ પણ વિશ્વાસ થતો નથી કે આ ઐતિહાસિક ફિલ્મોનો હિસ્સો રહી ચૂકેલાં વહીદાજી હવે મારા ડિરેક્શનમાં બની રહેલા પ્રોજેક્ટનો ભાગ બનવા જઈ રહ્યાં છે. મારા માટે આ ખૂબ જ ખાસ અને કોઈ સપના જેવું લાગે છે. આ ફિલ્મમાં તેમનું હોવું મારા માટે ખૂબ મોટા સન્માનની વાત છે.’