14 June, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
હૈદરાબાદમાં સાઉથ સ્ટાર રામ ચરણ તેજાની આગામી મૂવી ‘ધ ઇન્ડિયા હાઉસ’ના સેટ પર એક મોટો અકસ્માત થયો છે. જાણવા મળ્યું છે કે સેટ પર પાણીની ટાંકી ફાટી ગઈ અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ જેને પગલે સેટ પર તમામ સામાન વેરવિખેર થઈ ગયો હતો. આ અકસ્માત એક ઍક્શન સીક્વન્સના શૂટિંગ દરમ્યાન થયો, જેમાં પાણીનો ઉપયોગ થવાનો હતો. જોકે આ પાણીનો ઉપયોગ થાય એ પહેલાં ટાંકી ફાટી ગઈ અને શૂટિંગ-ફ્લોર પર હજારો લીટર પાણી પ્રસરી ગયું. આ દુર્ઘટનાને કારણે ‘ધ ઇન્ડિયા હાઉસ’ના આખા સેટ પર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને સાધનોને ઘણું નુકસાન થયું છે.
આ સમગ્ર ઘટનામાં એક સહાયક કોરિયોગ્રાફર અને ઘણા ક્રૂ-મેમ્બર્સ ઘાયલ થયા છે. માહિતી અનુસાર ઘાયલ ક્રૂ-મેમ્બર્સને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ પૂરતું ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે.
આ દુર્ઘટનાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એમાં ક્રૂ-મેમ્બર્સ સેટ પર પાણી ભરાઈ ગયા પછી કૅમેરા અને અન્ય જરૂરી સાધનો બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. ક્લિપમાં આખો સેટ પાણીમાં ડૂબેલો જોવા મળે છે.
રામ ચરણની તેજાની ‘ધ ઇન્ડિયા હાઉસ’ની જાહેરાત ૨૦૨૩માં કરવામાં આવી હતી. આ ફિલ્મ તેની નિર્માતા તરીકેની પહેલી ફિલ્મ છે. હજી સુધી રિલીઝ-ડેટની જાહેરાત કરવામાં
આવી નથી.