એકમેકને ખુશ રાખી રિલેશનશિપને ટકાવવાના નવા રસ્તા શોધતા રહેવું પડે છે:રિતેશ દેશમુખ

06 August, 2021 03:39 PM IST  |  Mumbai | Harsh Desai

‘ઝી કૉમેડી શો’માં જેનિલિયા સાથે હાજરી આપનાર રિતેશે પત્ની સાથેના સંબંધ વિશે વાતચીત કરી હતી

એકમેકને ખુશ રાખી રિલેશનશિપને ટકાવવાના નવા રસ્તા શોધતા રહેવું પડે છે : રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખનું કહેવું છે કે પ્રેમને જીવતો રાખવા, પ્રેમના એકરાર માટે નવા-નવા રસ્તા શોધતા રહેવું ખૂબ જરૂરી છે. રિતેશ અને જેનિલિયા દેશમુખ હાલમાં ફારાહ ખાનના શો ‘ઝી કૉમેડી શો’માં જોવા મળ્યાં હતાં. આ શોમાં ૧૧ કૉમેડિયનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ફારાહ ખાન લાફિંગ બુદ્ધા બની છે. આ શોમાં મુંબઈના ડબ્બાવાળાને બોલાવવામાં આવ્યા હતા. રિતેશ અને જેનિલિયા પણ તેમની સાથે મસ્તી કરતી જોવા મળ્યાં હતાં. રિતેશ અને જેનિલિયા સોશ્યલ મીડિયા પર તેમના અટકચાળા માટે ખૂબ જ ફેમસ છે અને તેમની ગણતરી બૉલીવુડના બેસ્ટ કપલમાં થાય છે. આ વિશે પૂછતાં રિતેશે કહ્યું હતું કે ‘કોઈ પણ રિલેશનશિપમાં એ ખૂબ જરૂરી છે કે બૉન્ડને જીવંત રાખવા માટે તમે નવા-નવા રસ્તા શોધો. મને હજી પણ યાદ છે કે ૨૦૦૧માં અમે પહેલી વાર જ્યારે મળ્યાં હતાં ત્યારે જેનિલિયા ૧૭ની અને હું ૨૩ વર્ષનો હતો. એ દિવસથી આજ સુધી અમારામાં ઘણો બદલાવ આવ્યો છે. સમયની સાથે લોકો મોટા થાય છે અને તેમનો વિકાસ પણ થાય છે. જોકે આ સમય દરમ્યાન રિલેશનશિપમાં સ્પાર્કને જીવંત રાખવો ખૂબ જરૂરી છે. અમારાં લગ્નને ૧૦ વર્ષ થયાં છે. અમારી વચ્ચે એક્સપ્રેસ કરવા માટે હવે કાંઈ નથી બચ્યું, કારણ કે અમે બન્ને એકમેકને અંદર-બહારથી સંપૂર્ણ રીતે જાણીએ છીએ. જોકે અમારા માટે દરેક દિવસ એક નવી મુસાફરી જેવો હોય છે, કારણ કે અમે બન્ને એકમેકને ખુશ કરવા માટે નવા રસ્તા શોધી કાઢીએ છીએ. અમે સાથે ટ્રૅક પર જઈએ છીએ, જિમમાં સાથે જઈએ છીએ અને બધું સાથે કરીએ છીએ. આથી અમે એકબીજાની નજીક રહેવા માટેના રસ્તા શોધી કાઢીએ છીએ.’
આ વિશે જેનિલિયાએ કહ્યું કે ‘મને જિમમાં જવાનું બિલકુલ ગમતું નહોતું અને હવે રિતેશને કારણે મને ગમવા લાગ્યું છે. આર્ટ પણ મને પસંદ નથી, પરંતુ અમે જ્યારે પણ કોઈ જગ્યાએ ફરવા જઈએ છીએ ત્યારે એક મ્યુઝિયમની મુલાકાત જરૂર લઈએ છીએ કારણ કે રિતેશને આર્કિટેક્ચર અને પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ છે. હું પણ હવે પેઇન્ટિંગ્સને પસંદ કરવા માંડી છું, જેમાં મને પહેલાં કોઈ સમજ નહોતી પડતી.’

harsh desai bollywood news bollywood bollywood gossips entertainment news riteish deshmukh