હૉરર અને કૉમેડી બન્નેમાં કમજોર ભૂત પોલીસ

13 September, 2021 10:06 AM IST  |  Mumbai | Harsh Desai

સ્ટોરી ખૂબ જ કંગાળ છે અને ડાયલૉગ પણ નહીંવત છે : ડિરેક્શન એટલું કંગાળ છે કે ફિલ્મ હસાવી પણ નથી શકતી અને ડરાવી પણ નથી શકતી : ગીતનો સમાવેશ કરવામાં નથી આવ્યો એ એક પ્લસ પૉઇન્ટ છે

હૉરર અને કૉમેડી બન્નેમાં કમજોર ભૂત પોલીસ

ભૂત પોલીસ

કાસ્ટ : સૈફ અલી ખાન, અર્જુન કપૂર, યામી ગૌતમ અને જૅકલિન ફર્નાન્ડિસ
ડિરેક્ટર : પવન કૃપલાણી

થોડા સમય પહેલાં જ સૈફ અલી ખાને કહ્યું હતું કે જે રીતે ફિલ્મમેકર્સ હૉરર ફિલ્મો બનાવવા પાછળ દોડ લગાવી રહ્યા છે એ મુજબ આ પ્રકારની ફિલ્મ પર જોખમ તોળાઈ રહ્યું છે. તેનો કહેવાનો મતલબ એ હતો કે ફિલ્મ ફક્ત હૉરર બનાવવા પૂરતી બનાવવી એવું ન હોવું જોઈએ. જોકે તેની ‘ભૂત પોલીસ’ સાથે કંઈક એવું જ થયું છે. ‘રાગિની એમએમએસ’ અને ‘ફોબિયા’ જેવી ફિલ્મ બનાવનાર પવન કૃપલાણી દ્વારા આ ફિલ્મને ડિરેક્ટ કરવામાં આવી છે જેમાં સૈફની સાથે અર્જુન કપૂર, યામી ગૌતમ અને જૅકલિન ફર્નાન્ડિસ પણ છે.
ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થયેલી આ ફિલ્મને એક અઠવાડિયું વહેલી રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી બે ભૂત ભગાવનાર ભાઈઓ વિભૂતિ (સૈફ અલી ખાન) અને ચિરૌંજી (અર્જુન કપૂર)ની આસપાસ ફરે છે. તેઓ ઊલટ બાબાના દીકરાઓ હોય છે. તેઓ એક RVમાં રહેતા હોય છે. ‘બ્રેકિંગ બેડ’ની અહીં વાત નથી થઈ રહી. જોકે ભૂત ભગાવનારા એક RVમાં રહે અને એ પણ ઇન્ડિયામાં થોડું વિચિત્ર લાગે છે. વિભૂતિ લોકોની અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવીને પૈસા પડાવવા માગતો હોય છે. તે ભૂત ભગાવવાની વાતને એક બિઝનેસ માને છે. જોકે ચિરૌંજી તેના પિતાની જેમ આસ્થાના રસ્તે ચાલતો હોય છે અને તે ભૂતમાં વિશ્વાસ કરે છે. એક ભૂતિયા મેળામાં તેમની મુલાકાત માયા (યામી ગૌતમ) સાથે થાય છે. માયાની ધરમશાળામાં ચા બનાવવાની કંપની હોય છે. તેના પિતાની આ કંપનીને તે ફરી ધમધમતી કરવા માગે છે. જોકે તેની બહેન કનિકા (જૅકલિન) એ વેચીને લંડનમાં શિફ્ટ થવા માગતી હોય છે. માયા સાથેની મુલાકાત બાદ તે તેમના ચાના બગીચામાં ફરતી કિચકંડી ભૂતને ભગાવવા માટે લઈને આવે છે. વિભૂતિ અને ચિરૌંજીના પિતાએ ૨૭ વર્ષ પહેલાં અહીં જ કિચકંડીને પકડીને ભગાવી હતી. જોકે વિભૂતિ અને ચિરૌંજી એમાં સફળ થાય કે નહીં એ જોવું રહ્યું.
પવનના ડિરેક્શનમાં ખૂબ જ લોચા છે. ફિલ્મ હૉરર-કૉમેડી છે, પરંતુ હૉરર જેવી કોઈ ફીલ નથી આવતી. ફિલ્મમાં ભાગ્યે જ એવાં દૃશ્યો આવશે જેમાં ડર નામની કોઈ વસ્તુ હોય. સ્ટોરી પણ ખૂબ જ કમજોર છે. પહેલા પાર્ટમાં થોડા ડાયલૉગ સારા પણ છે, પરંતુ બીજા પાર્ટમાં એ નહીંવત છે. તેમ જ સ્ટોરી ખૂબ જ નબળી અને પ્રિડિક્ટેબલ બનતી જાય છે. હૉરર-કૉમેડીમાં રહસ્ય ખૂબ જ મહત્ત્વનું હોય છે, પરંતુ એ અહીં નહીંવત છે. ડિરેક્ટર સાહેબ પોતે ભૂતમાં માને છે કે નહીં એના પર તેમણે કોઈ કમેન્ટ નથી કરી બસ, લોકોને કન્ફ્યુઝ કરવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. ગો કોરોના અને નેપોટિઝમ પર કમેન્ટ કરવામાં આવી છે, પરંતુ આ બે જ ડાયલૉગ હસવા પાત્ર છે.
સૈફે સારું કામ કર્યું છે, પરંતુ એમાં કંઈ નવું નથી. ‘સલામ નમસ્તે’ અને ‘ગો ગોઓ ગૉન’ને મિક્સ કરવામાં આવે તો એ અહીં જોવા મળશે. સૈફે તેની બોલવાની રીતમાં બદલાવ લાવવાની કોશિશ કરી છે, પરંતુ એ કૉન્સ્ટન્ટ નથી. તેમ જ અર્જુનની બોલવાની રીત અલગ હોય છે. આથી બન્ને ભાઈ એકસાથે મોટા થયા હોવા છતાં અલગ કેવી રીતે બોલે એ પણ એક સવાલ છે. અર્જુનનું કામ પણ એટલું કન્વિન્સિંગ નથી લાગતું. ઘણી વાર સૈફ તેના પર હાવી થઈ જતો લાગે છે. યામીએ સારું કામ કર્યું છે, પરંતુ એ ક્લાઇમૅક્સમાં થોડી મિનિટ પૂરતું જ. જૅકલિન હંમેશાંની જેમ ફક્ત ગ્લૅમર માટે જોવા મળી હતી. તે જ્યારે ઘોડા પર એન્ટ્રી કરે છે ત્યારે પણ તે ઘોડો દોડાવવાને કારણે નહીં, પરંતુ પોતે ઘોડા પર બેસીને કૂદી રહી હોય એવું વધુ લાગે છે. જેમી લીવર, રાજપાલ યાદવ અને જાવેદ જાફરી જેવા મારફાડ ઍક્ટર ફક્ત હાજરી પુરાવવા માટે હતા. જેમી પાસે એક સારું દૃશ્ય આવ્યું છે જેમાં તે ગીત ગાય છે. આ સિવાય તેની પાસે પણ કોઈ સારું કામ નથી.
આ ફિલ્મમાં નકામા ગીતનો સમાવેશ નથી કર્યો એ ખૂબ જ સારું કામ કર્યું છે નહીંતર ફિલ્મને સહન કેવી રીતે કરવી એ પ્રશ્ન બન્યો હોત. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે. સ્ક્રીન પર વધુ હાવી નથી થતું.

bollywood news bollywood bollywood gossips entertainment news movie review bollywood movie review harsh desai