22 December, 2024 10:09 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ શનિવારે કહ્યું છે હતું ‘અલ્લુ અર્જુનને ના પાડવામાં આવી હતી એમ છતાં તે ચોથી ડિસેમ્બરે પુષ્પા-2ના સ્ક્રીનિંગ માટે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ગયો હતો. એ વખતે થયેલી નાસભાગમાં મહિલાનું મૃત્યુ થયા પછી પણ તે થિયેટરમાંથી જઈ નહોતો રહ્યો. પોલીસે ત્યાર બાદ તેને જબરદસ્તીથી ત્યાંથી હાંકી કાઢ્યો હતો.’
તેલંગણની વિધાનસભામાં ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વિધાનસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ વિધાનસભામાં કરેલા સવાલનો જવાબ આપતાં મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ કહ્યું હતું કે ‘એ ઘટના વખતનો જે વિડિયો સર્ક્યુલેટ થઈ રહ્યો છે એમાં પણ જણાઈ આવ્યું છે કે અલ્લુ અર્જુનની એ ભૂલ હતી. બહુ જ ભીડ હોવા છતાં તેણે રોડ શો કર્યો હતો.’
રેવંત રેડ્ડીએ એ સંદર્ભે વિગતો આપતાં કહ્યું હતું કે ‘થિયેટર દ્વારા પોલીસને બંદોબસ્ત ગોઠવવા વિનંતી કરતી અરજી અપાઈ હતી. જોકે પોલીસે એ અરજી સ્વીકારી નહોતી અને એ માટે ના પાડી દેતાં કહ્યું હતું કે બહુ ભીડ થાય છે જેને ખાળવી મુશ્કેલ હોય છે. અલ્લુ અર્જુન થિયેટરમાં જતાં પહેલાં અને થિયેટરમાંથી નીકળ્યા બાદ પોતાની કારના સનરૂફમાંથી બહાર નીકળ્યો હતો અને લોકોને અભિવાદન કરતો હતો. તેની એક ઝલક મેળવવા તેના હજારો ચાહકોમાં હોડ લાગી હતી અને ધક્કામુક્કી થઈ હતી.’
રેવંત રેડ્ડીએ વધુમાં એ ફિલ્મસ્ટારોને પણ વખોડ્યા હતા ધરપકડમાંથી છુટકારો થયા બાદ અલ્લુ અર્જુનને મળવા તેના ઘરે લાઇન લગાવી હતી. તેમનું કહેવું હતું કે એ ફિલ્મસ્ટારોએ એ ઘટનામાં ઘાયલ થયેલા છોકરાને હૉસ્પિટલમાં જઈ મળવાની દરકાર નહોતી કરી.
ચોથી ડિસેમ્બરે બનેલી એ ઘટનામાં ૩૫ વર્ષની મહિલાનું મોત થયું હતું જ્યારે તેનો દીકરો ઘાયલ થયો હતો. આ ઘટના બાદ પોલીસે અલ્લુ અર્જુન, તેની સિક્યૉરિટી ટીમ અને થિયેટર મૅનેજમેન્ટ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ કેસમાં અલ્લુ અર્જુનની ૧૩ ડિસેમ્બરે ધરપકડ પણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેને જેલ-કસ્ટડી આપવામાં આવતાં તેણે જામીન અરજી કરી હતી જે મંજૂર થતાં તે ૧૪ ડિસેમ્બરે જેલમાંથી જામીન પર બહાર આવી ગયો હતો.